લગ્નના ચાર જ મહિનામાં પત્નીના રૂપિયા લઈ બીજો પતિ ફરાર

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં પત્નીના દોઢ લાખ રૂપિયા પતિ લઇને ફરાર થઇ જવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ચાર મહિના પહેલાં યુવતીએ તેના જ ફ્લેટની સામે રહેતા યુવક સાથે બીજાં લગ્ન કર્યાં હતાં.

ખોખરામાં આવેલ રામેશ્વર ફ્લેટમાં રહેતી સપનાબહેનનાં તારીખ 13-12-16ના રોજ તેના જ ફ્લેટની સામે રહેતા યાજ્ઞિક જયપાલભાઇ ભાવસાર સાથે લગ્ન થયાં હતાં. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સપનાના એકાદ વર્ષ પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે પિયરમાં રહેતી હતી. સપનાનાં માતા-પિતાનું થોડાક સમય પહેલાં મૃત્યુ થયું હોવાથી તે ઘરમાં એકલી રહેતી હતી.

દરમિયાનમાં યા‌જ્ઞિકની માતા પ્રવીણાબહેને સપના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સપનાએ લગ્ન કરવાની હા કહેતાં બન્ને જણાંનાં લગ્ન થઇ ગયાં હતાં. લગ્નના એક મહિના સુધી સપના તેની સાસરીમાં રહેતી હતી, જોકે સાસરીનું મકાન નાનું હોવાથી સપના અને યાજ્ઞિક તેના પિયરમાં રહેવા માટે આવી ગયાં હતાં. એકાદ મહિનાથી સાસુ પ્રવીણાબહેન અને દિયર સુનીલ મકાન ગીરવે હોવાથી ત્રણ લાખ રૂપિયાની માગણી સપના પાસે કરતાં હતાં. રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં સપનાને યા‌જ્ઞિક મારઝૂડ કરતો હતો. બે દિવસ પહેલાં સપનાની જાણ બહાર યા‌જ્ઞિક દોઢ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. બે દિવસથી યા‌જ્ઞિક પોતાના ઘરે પરત નહીં આવતાં ખોખરા પોલીસે પતિ, સાસુ અને દિયર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like