લગ્નનું બોગસ સર્ટિફિકેટ બનાવી ગોતાની યુવતી પર ઓઈલ મિલના માલિકના પુત્રનો બળાત્કાર

અમદાવાદ: ગોતા વિસ્તારમાં રહેતી યુવતીને ગોંડલના ઓઇલ મિલના માલિકના પુત્રએ રાજકોટ બોલાવી કાગળો પર સહી કરાવી પત્ની હોવાનું જણાવ્યું હતું. પત્ની તરીકે દરજ્જો આપી તેને રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાં લઇ ગયો હતો અને સુહાગરાત મનાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવકનાં માતા-પિતાએ પણ યુવતીનું લગ્નનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું. યુવતીએ આ અંગે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી મિલ માલિકના પુત્રની ધરપકડ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોતા વિસ્તારમાં ર૯ વર્ષીય યુવતી રહે છે. યુવતી ગોંડલમાં અને ઓઇલ મિલના માલિક એવા રમણિકભાઇના પુત્ર નિખિલ ભૂતનાં સંપર્કમાં આવી હતી. ત્રણેક મહિના અગાઉ નિખિલે યુવતીને રાજકોટ ખાતે બોલાવી હતી. રાજકોટ બોલાવી તેને કેટલાક કાગળ ઉપર સહીઓ કરાવી લીધી હતી. સહી કરાવ્યા બાદ નિખિલે તેણીને પોતાની કાયદેસર પત્ની હોવાનું જણાવ્યું હતું અને નાસિક રોડ હોટલ ઇમ્પિરિયલ ખાતે સુહાગરાત મનાવવાનું જણાવી શારિરીક સંબંધ બાંધ્યા હતા.

થોડા સમય બાદ યુવતીને જાણ થઇ હતી કે નિખિલનાં માતા પિતા હંસાબહેન અને રમણિક ભાઇએ નિખિલનું અને તેનું ખોટું લગ્નનું સર્ટિફિકેટ બનાવ્યું હતું. નિખિલનાં માતા હંસાબહેને નિખિલની મિલકત માટે પ્રેમ જાળમાં ફસાવ્યો હોવાનું કહી યુવતીને માર માર્યો હતો. પોલીસે આરોપી નિખિલની ધરપકડ કરી અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like