બોડકદેવમાં લગ્નના રિસેપ્શન દરમિયાન રોકડ ભરેલી બેગ ચોરાઈ

અમદાવાદ: અમદાવાદ પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા ઔડાના પાર્ટી પ્લોટમાં યોજાયેલા રિસેપ્શન દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ સ્ટેજ પર પડેલી રોકડા રૂપિયા અને ભેટ-સોગાદની બેગ લઈ ફરાઈ થઈ ગયો હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હાલમાં લગ્નની મોસમ ભરપૂર ખીલી છે ત્યારે લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને ચોરી કરતી ટોળકી પણ સક્રિય બની છે.

લગ્ન પ્રસંગમાં તૈયાર થઈ મહેમાન તરીકે જોડાઈ ચોરી થતી હોવાની અનેક ઘટના સામે આવી છે ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા ઔડાના પાર્ટી પ્લોટમાં પાર્થભાઈ પ્રશાંતભાઈ આચાર્ય (રહે. ન્યુ રાણીપ)ના સંબંધીનું રિસેપ્શન યોજાયું હતું. તેઓએ રિસેપ્શન સ્ટેજ પર એક બેગમાં ભેટ-સોગાદોમાં આવેલા રોકડા રૂપિયા ૨૫ હજાર અને અન્ય ભેટ-સોગાદો મૂકી હતી.

દરમિયાન તેઓ આ બેગને સ્ટેજ પર મૂકી અને પાણી પીવા ગયા હતા તે દરમિયાનમાં કોઈ અજાણી વ્યક્તિ આ રોકડા રૂપિયા અને ભેટ-સોગાદ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગઈ હતી. પાર્થભાઈએ પાર્ટી પ્લોટમાં આ બેગની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બેગ નહીં આવતા તેઓએ આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પાર્થભાઈની ફરિયાદને આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં આવા લગ્ન પ્રસંગોમાં ચોરી કરવા માટે ટાબરિયા ગેંગનો ઉપયોગ કરાય છે. ૧૦થી ૧૫ વર્ષના છોકરાઓને નવા કપડાં પહેરાવી અને ચોરીની ટ્રેનિંગ આપી લગ્ન પ્રસંગોમાં મોકલવામાં આવે છે અને આવા ટાબરિયાઓ લગ્નમાં નજર ચૂકવી અને ચોરી કરતા હોય છે.

થોડા દિવસ અગાઉ સરખેજ પોલીસે પણ તેમના વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ચોરી કરતા દસથી બાર વર્ષના એક ટાબરિયાને ઝડપ્યો હતો. જેની પૂછપરછ અડાલજ અને અન્ય વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આધેડ વયની એક મહિલા દ્વારા તેને લગ્ન પ્રસંગોમાં ચોરી કરવા મોકલવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like