આવતી કાલે RBI વ્યાજદરમાં ફેરફાર કરે તેવી શક્યતા ઓછી

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૯ સપ્ટેમ્બરે રેપો રેટમાં ૫૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, જેથી રેપો રેટ ઘટીને ૬.૭૫ ટકા થયો છે. આવતી કાલે આરબીઆઇની પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે ત્યારે મોટા ભાગના નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે આવતી કાલની બેઠકમાં આરબીઆઇ વ્યાજદરમાં ફેરફાર કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ વર્ષ ૨૦૧૫માં રેપો રેટમાં કુલ ૧૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય ટેન્શન તથા આતંકવાદી હુમલાની ધમકી જેવાં પરિબળોનો આરબીઆઇની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ઉપર ચોક્કસ પ્રભાવ પડશે. તેના કારણે દરોમાં ઘટાડો થવાની આશા ઓછી છે.

એસોચેમના કહેવા પ્રમાણે ચોમાસાની અનિશ્ચિતતા, સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિ, પાંચ ટકા કરતાં નીચે મોંઘવારીનો દર રાખવાનો આરબીઆઇનો લક્ષ્યાંક એ એક મોટી ચેલેન્જ છે. ગ્રાહક મોંઘવારી દર ઓક્ટોબરમાં પાંચ ટકા જોવાયો હતો, જે સપ્ટેમ્બરમાં ૪.૪૧ ટકા હતો. વેતન વૃદ્ધિ લાગુ થવાને કારણે સરકારી ખર્ચમાં ૧,૦૨,૦૦૦ કરોડનો વધારો થશે તથા તાજેતરમાં તુવેરની દાળ સહિત વિવિધ દાળના ભાવમાં મોટો વધારો થયો છે, જેનાથી મોંઘવારી ઉપર અસર થશે.

You might also like