માર્કેટ કેપની દૃષ્ટિએ ટોપ ટેન કંપનીના લિસ્ટમાંથી ઈન્ફોસિસ આઉટ

અમદાવાદ: આઇટી સેક્ટરની અગ્રણી કંપની ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ પાછલા સપ્તાહે અચાનક રાજીનામું આપતાં કંપનીના શેરમાં કડાકો બોલાઇ ગયો હતો. બીએસઇની માર્કેટ કેપના દૃષ્ટિકોણથી ઈન્ફોસિસ કંપની અગ્રણી દશ કંપનીઓની યાદીમાંથી બહાર નીકળી ગઇ છે અને ૧૧મા ક્રમે પહોંચી ગઇ છે. નોંધનીય છે કે અગ્રણી દશ કંપનીની યાદીમાં ઓએનજીસી દશમા ક્રમે જોવા મળી છે.

ઇન્ફોસિસ કંપનીના શેરમાં ઘટાડાના પગલે આ કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. ૨૦૩૩૯૪ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. ગઇ કાલે છેલ્લે ઇન્ફોસિસ કંપનીનો શેર રૂ. ૮૭૭.૧૫ની સપાટીએ બંધ જોવાયો હતો. ઇન્ફોસિસ કંપનીના ઊભા થયેલા વિવાદના પગલે પાછલા સપ્તાહે શુક્રવારે અને ત્યાર બાદ ચાલુ સપ્તાહમાં સોમવારે કંપનીના શેરમાં ૧૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો, જોકે ગઇ કાલે કંપનીના શેરમાં સાધારણ ૦.૪૨ ટકાનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે આ કંપનીના શેરમાં વધુ ૧.૧૯ ટકાનો સુધારો નોંધાઇ ૮૮૭ રૂપિયાની સપાટીએ ખૂલ્યો હતો.

જ્યારે ઓએનજીસી કંપનીના શેરમાં ગઇ કાલે ૧.૧૧ ટકાના નોંધાયેલા સુધારા બાદ આ શેર છેલ્લે રૂ. ૧૫૯.૩૦ની સપાટીએ બંધ જોવાયો હતો, જેના પગલે કંપનીની માર્કેટ કેપમાં ઉછાળો નોંધાયો હતો. આજે ઓનજીસી કંપનીના શેરમાં ૦.૫૦ ટકાનો સુધારો નોંધાઇને આ કંપનીનો શેર રૂ. ૧૬૦ના મથાળે ખૂલ્યો હતો અને માર્કેટ કેપની દૃષ્ટિએ અગ્રણી દશ કંપનીઓની યાદીમાં ઓએનજીસી ‘ઈન’, જ્યારે ઈન્ફોસિસ ‘આઉટ’ થઇ ગઇ છે.

અગ્રણી દશ કંપનીની માર્કેટ કેપ
કંપનીનું નામ માર્કેટ કેપ
રિલાયન્સ રૂ. ૫,૦૯,૫૪૭
ટીસીએસ રૂ. ૪,૭૮,૧૮૯
એચડીએફસી બેન્ક રૂ. ૪,૫૩,૧૫૭
આઈટીસી રૂ. ૩,૪૫,૬૬૮
એચડીએફસી રૂ. ૨,૭૯,૨૬૭
એચયુએલ રૂ. ૨,૫૬,૯૨૧
એસબીઆઈ રૂ. ૨,૩૮,૪૬૦
મારુતિ સુઝુકી રૂ. ૨,૨૭,૦૧૪
આઈઓસી રૂ. ૨,૦૭,૭૩૮
ઓએનજીસી રૂ. ૨,૦૫,૫૮૮
ઈન્ફોસિસ રૂ. ૨,૦૩,૩૯૪
(આંકડા કરોડમાં)

You might also like