કાશ્મીર-બિહારની પેકેજ ડીલ, મંજૂર છે? કાત્જુએ બિહારીઓની મજાક કરી

નવી દિલ્હી: પાકિસ્તાન વિરુદ્ધ દેશમાં એક બાજુ ગુસ્સો છે તો દેશના પૂર્વ જજ અને પૂર્વ પ્રેસ કાઉન્સિલ અોફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કંડેય કાત્જુએ એક એવી મજાક કરી છે, જેની ચારે બાજુ ટીકાઅો થઈ રહી છે. કાત્જુએ સોશિયલ મીડિયા પર પાડોશી દેશ પાકિસ્તાનને અેક અોફર કરી છે. તેમણે પોતાની ફેસબુક વોલ પર લખ્યું છે કે કાશ્મીરની સાથે તમારે બિહાર પણ લેવું પડશે.

મોદી સરકારની પાકિસ્તાનને સાવ એકલું પાડી દેવાની રણનીતિની વચ્ચે માર્કંડેય કાત્જુનું અા નિવેદન શરમજનક છે, જેના પર ભાજપ નેતા રામેશ્વર ચોર‌િસયાઅે કહ્યું કે માર્કંડેય કાત્જુને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દેવા જોઈઅે. તેમણે ૧૦ કરોડ બિહારીઅોની મજાક ઉડાડી છે. પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં કાત્જુએ કહ્યું કે મેં માત્ર મજાક કરી છે, શું હું મજાક પણ ન કરી શકું. મારી ઉંંમર ૭૦ વર્ષ છે અને હું મારી ખુદની પણ મજાક ઉડાવું છું. ઉલ્લેખનીય છે કે કાત્જુ પોતાનાં વિવાદિત નિવેદનોના લીધે હંમેશાં ચર્ચામાં રહે છે.

અા વખતે તેમણે સોશિયલ મીડિયા ફેસબુક પર લખ્યું છે કે પાકિસ્તાનના લોકો અાવો, અા વિવાદને અાપણે બધાં મળીને ખતમ કરીશું. અમે અે શરત પર તમને કાશ્મીર અાપીશું. સાથે તમારે બિહાર પણ લેવું પડશે. અા એક પેકેજ ડીલ છે. બે અથવા એક પણ નહીં. અમે માત્ર કાશ્મીર નહીં અાપીઅે. બોલો, મંજૂર છે?

પોતાની પોસ્ટમાં કાત્જુએ પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ પણ સામેલ કર્યું છે. તેમણે બિહારથી અાગળ વધતાં ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘પૂર્વ પીએમ અટલબિહારી વાજપેયીઅે પણ અાગ્રા વાર્તા દરમિયાન પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફ સામે અા અોફર મૂકી હતી, પરંતુ મૂરખ મુશરફે તેને રિઝેક્ટ કરી દીધી. હવે અેક વાર ફરી અા અોફર છે, આ તક ગુમાવશો નહીં ચૌહાણ.’

You might also like