આખરે ઝુકરબર્ગે મૌન તોડયું, કહ્યું, FB ડેટા લીક થયો તે મારી ભૂલ છે

ડેટા લીક થવાના કારણે ફેસબુક સતત ચર્ચાઓમાં છે. એવામાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ મુદ્દે મૌન તોડયું છે. માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોસ્ટ કરી આ મામલે પોતાની ભૂલ કબૂલ કરી છે.

ડેટા લીક મામલે કંપની દ્વારા કડક પગલાં ઉઠાવવાની તૈયારી પણ ઝુકરબર્ગે દર્શાવી છે. સાથે જ કેમ્બ્રિઝ એનાલિટિકા મામલે પોતાની ભૂલ પણ સ્વીકારી છે. માર્ક ઝુકરબર્ગે લખ્યું છે કે, લોકોના ડેટા સુરક્ષિત રાખવા અમારી જવાબદારી છે અને અમે તેમાં ફેઈલ થયા છીએ તો તે અમારી ભૂલ છે.

વધુમાં ઝુકરબર્ગે લખ્યું છે કે, આ મુદ્દે પહેલા પણ અનેક પગલાં લેવાયા છે. અમે માનીએ છીએ કે અમારી ભૂલ છે. ફેસબુક મેં શરૂ કર્યું છે અને તેની સાથે કંઈ પણ થાય તો તેની જવાબદારી મારી છે. અમે અમારી ભૂલોથી શીખવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એકવાર ફરી વિશ્વાસ જીતીશું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી એક ફર્મ કેમ્બ્રિઝ એનાલિટિકા પર આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સના ખાનગી જાણકારી ચોરવાનો આરોપ લાગ્યો છે. આ જાણકારીને કથિત રીતે ચૂંટણી દરમિયાન ટ્રમ્પને જીતાડવામાં મદદ અને વિરોધીઓની છબિ ખરાબ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.

You might also like