ઝકરબર્ગ મુસ્લિમોની પડખેઃ કોઈના ગુનાની સજા સમગ્ર સમુદાયને કેમ?

કેલિફોર્નિયાઃ અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશને લઈને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ હવે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે પણ મુસ્લિમોને લઈને એક નિવેદન જારી કર્યું છે. પેરિસ હુમલા બાદ દુનિયાભરના મુસ્લિમો વિરુદ્ધ થઈ રહેલા નિવેદન વચ્ચે માર્ક ઝકરબર્ગે મુસ્લિમ સમુદાયની સમર્થનમાં નિવેદન કર્યું છે.

માર્ક ઝકરબર્ગે જણાવ્યું છે કે હું દુનિયાભરમાં વસેલા અને ફેસબુક પર મોજુદ મુસ્લિમ સમુદાયના લોકોનું સમર્થન કરું છું અને તેમના અવાજ સાથે મારો અવાજ જોડવા ઈચ્છું છું. તેમને જણાવ્યું હતું કે પેરિસ એટેક બાદ અને તાજેતરની કેટલી ઘટનાઓને લઈને મુસલમાન જે ડર હેઠળ જીવી રહ્યા છે તેની હું કલ્પના કરી શકું છું. તેમને ડર છે કે કોઈ બીજા માટે તેમને સજા આપવી જોઈએ નહીં. કોઈના ગુનાની સજા સમગ્ર મુસ્લિમ સમુદાયને શા માટે ?

ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે એક યહૂદી હોવાના નાતે મારાં માતા પિતાએ શીખવ્યું છે કે આપણે તમામ સમુદાય પર થઈ રહેલા હુમલા વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ. જો આપણા ઉપર સીધો કોઈ હુમલો થતો ન હોય તો પણ અન્ય કોઈ પર કરવામાં આવેલો હુમલો તમામની સ્વતંત્રતાને નુકસાન પહોંચાડે છે.

માર્ક ઝકરબર્ગે ફેસબુક પર મુસ્લિમો માટે લખ્યું છે કે જો તમે એક મુસ્લિમ છો તો ફેસબુકના લીડર તરીકે હું તમને જણાવવા માગું છું કે અહીં હંમેશાં તમારું સ્વાગત છે. અમે હંમેશાં તમારી આઝાદી અને અધિકાર માટે લડીશું. એટલું જ નહીં તમારા માટે એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલ ઊભો કરવા માટે પણ લડીશું.

તાજેતરમાં પિતા બનેલા માર્ક ઝકરબર્ગે જણાવ્યું છે કે અમારે ત્યાં દીકરી આવવાથી અમારી આશાઓ ઘણી વધી ગઈ છે, પરંતુ નફરતનો જે માહોલ પ્રવર્તે છે તે લોકોને નિરાશાનો શિકાર બનાવી શકે છે. આપણે આશા છોડવી જોઈએ નહીં.

જો આપણે એક બીજા સાથે ઊભા રહીશું તો તેમની સારી વાતોને જોઈ શકીશું અને સાથે મળીને બધા માટે એક સારી દુનિયાનું નિર્માણ કરીશું. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગત સપ્તાહે પોતાને ત્યાં દીકરીના આગમન અંગે જણાવ્યું હતું કે આ વિશ્વમાં મારી દીકરી મેક્સનું સ્વાગત કરતા હું અને પ્રિસિલા ખૂબ ખુશ છીએ.

You might also like