માર્કશીટ-સર્ટિફિકેટ્સ આધાર સાથે લિંક કરવામાં આવશે

નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) રાષ્ટ્રીય સ્તરે એક એકેડેમિક સર્ટિફિકેટ ડેટા બેઝ તૈયાર કરનાર છે. આ ડેટા બેઝમાં પ્રત્યેક વિદ્યાર્થીના સ્કૂલથી લઈને કોલેજ, યુનિવર્સિટી સહિત પ્રોફેશનલ કોર્સના સર્ટિફિકેટ રાખવામાં આવશે. નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (નેડ) યોજના હેઠળ આ કામ કરવામાં આવશે.

બે એજન્સી – એનએસડીએલ અને સીડીએસએલ નેશનલ ડેટા બેઝ સિસ્ટમથી વેરિફિકેશન અને એકેડેમિક રેકોર્ડના મેનેજમેન્ટ પર વોચ રાખશે. કોન્સોલિડેટેડ ડેટા બેઝના પગલે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટોનું સ્કેન્ડલ બંધ થઈ જશે. એટલું જ નહીં હવે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પોતાની સાથે રાખવાની કે તેને સાચવવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. હવે વિદ્યાર્થીઓએ માર્કશીટ લેવા માટે યુનિવર્સિટી જવું પણ નહીં પડે. કારણ કે આ ડેટા બેઝ દ્વારા આધાર કાર્ડ સાથે વિદ્યાર્થીઓની માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રો લિંક કરવામાં આવશે.

નેશનલ એકેડેમિક ડિપોઝિટરીને લઈને યોજાયેલા વર્કશોપમાં રુહેલખંડ યુનિવર્સિટી સહિત દેશની તમામ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ટ્રેનિંગમાં સામેલ થયેલા યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વી. કે. મૌર્યાએ જણાવ્યું હતું કે એકેડેમિક સર્ટિફિકેટ ડેટા બેઝને આગામી સત્ર એટલે કે ૨૦૧૭-૧૮થી અપલોડ કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ એજન્સી યુનિવર્સિટીઓની માર્કશીટ, ડિગ્રી, ટ્રાન્સસ્ક્રિપ્ટ, પ્રોવિઝનલ માર્કશીટ સહિત તમામ એકેડેમિક સર્ટિફિકેટના પર્ફોર્મા તૈયાર કરશે અને યુનિવર્સિટીઓ માત્ર ડેટા ઉપલબ્ધ કરશે.

માર્કશીટ સંસ્થાના પ્રમુખની ડિજિટલ સિગ્નેચરથી તૈયાર થશે. પ્રોગ્રામર નવિન ગુપ્તાએ જણાવ્યું હતું કે ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ લેવા યુનિવર્સિટી જવાની જરૂર નહીં રહે.

You might also like