બે બહેનો, એક અમેરિકા તરફથી, બીજી દક્ષિણ કોરિયા તરફથી રમશે

સિઓલઃ
બંને બહેનો હજારો કિલોમીટર દૂર જન્મી હતી, પરંતુ સાથે જ ઉછેર થયો, સ્કેટિંગ સાથે જ કર્યું અને સ્કૂલે પણ સાથે જ ગઈ. જ્યારે પ્યેંગચાંગ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં તે બરફ પર ઊતરશે ત્યારે બંને બ્રેન્ડ્ટ બહેનો-મારિસા અને હન્નાહ ફરી એક વાર અલગ અલગ દેશનું પ્રતિનિધિત્વ કરશે.

મારિસાનો જન્મ દક્ષિણ કોરિયામાં થયો હતો અને થોડા સમયમાં જ તેને દત્તક લેવાતાં તેને અમેરિકા મોકલી દેવામાં આવી. ચાર મહિનાની ઉંમરમાં ગ્રેગ અને રોબિન બ્રેન્ડ્ટ મારિસાને મિનેસોટાના બરફીલા શહેરમાં લઈ આવ્યા. થોડા મહિના બાદ રોબિને તેની બહેન હન્નાહને જન્મ આપ્યો. પોતાના રાજ્યમાં સામાન્ય રીતે તે સ્કેટિંગ કરવા લાગી અને હવે બંને બહેનોએ રાષ્ટ્રીય આઇસ હોકી ટીમમાં સ્થાન મેળવી લીધું છે, પરંતુ ફોરવર્ડ હન્નાહ અમેરિકા તરફથી રમશે, જ્યારે સિઓલમાં બસ ચૂકી ગયેલી મારિસા પોતાના મૂળ દેશ દક્ષિણ કોરિયા તરફથી રમશે.

એક એશિયન છોકરીના એક અમેરિકન પરિવારમાં થઈ રહેલા ઉછેર છતાં મારિસા અને હન્નાહ વચ્ચે ક્યારેય આ અંગે ભેદભાવ રહ્યો નથી. મારિસા હન્નાહ જેવી જ બનવા માગે છે. આ જ કારણે મારિસાએ ફિગર સ્કેટિંગ છોડીને આઇસ હોકી પસંદ કરી, જેના કારણે તે હન્નાહની બ્લેડ ટ્રેક પર ચાલી શકે. અલગ અલગ કોલેજમાં ગઈ ત્યાં સુધી બંને બહેનો એક જ ટીમ તરફથી રમતી રહી હતી.

તેઓની મંજિલ એ સમયે અલગ થતી જોવા મળી, જ્યારે કોરિયા આઇસ હોકી એસોસિયેશને ઉત્તર અમેરિકાની કોલેજોમાં મૂળ કોરિયન ખેલાડીઓની શોધ કરવાની શરૂઆત કરી, જેના કારણે તે પોતાની યજમાનીમાં યોજાનાર ઓલિમ્પિકમાં શરમજનક સ્થિતિમાંથી બચી શકે. દક્ષિણ કોરિયામાં ખુદની ૩૧૯ મહિલા હોકી ખેલાડી છે. મારિસાને ૨૦૧૫માં એક આશાસ્પદ ખેલાડી તરીકે જોવામાં આવી અને ટીમમાં સામેલ કરવામાં આવી. એવું પહેલી વાર બન્યું હતું કે જ્યારે મારિસા પોતાના મૂળ દેશમાં પહોંચી. ટીમની સાથે તે ફરવા લાગી અને પછીના વર્ષે તેને દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ મળી ગયો. તેની જર્સી પર પાર્ક યૂન- જંગ લખવામાં આવ્યું, જે તેનું મૂળ નામ છે.

કોરિયન ટીમમાં સામેલ થયેલી મારિસા કહે છે, ”હું જ્યારે પહેલી વાર દક્ષિણ કોરિયા આવી ત્યારે ઉત્સાહિત થવાની સાથે સાથે થોડી નિરાશ પણ થઈ હતી. અલગ ભાષા, અલગ વાતાવરણ,પરંતુ હવે હું કોરિયન ભોજન ખાવાની સાથે અહીંના સંગીતનો પણ આનંદ ઉઠાવી રહી છું. હું મારી જાતને કોરિયન-અમેરિકન માનું છું. પહેલાં હું મારી જાતને ફક્ત અમેરિકન જ માનતી હતી. હું હવે ગર્વની સાથે ખુદને કોરિયન કહી શકું છું.”

You might also like