વજન ઓછું કરવાના ચક્કરમાં ૩૧ની ઉંમરે ૬૦ વર્ષની દેખાવા લાગી બાર્ટોલી

લંડનઃ ફ્રાંસની ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી મેરિયન બાર્ટોલી પોતાની કરિયર દરમિયાન સામાન્યથી થોડી વધુ ભરાવદાર નજરે પડતી હતી, પરંતુ ટેનિસમાંથી નિવૃત્તિ લીધા બાદ આ સ્ટાર ખેલાડી એવી જીદે ચડી કે તેણે ૧૯ કિલો વજન ઓછું કરી નાખ્યું, જોકે ત્યાર બાદ તે ૩૧ વર્ષની ઉંમરે ૬૦ વર્ષની બુઢ્ઢી મહિલા દેખાવા લાગી છે.

૨૦૧૩માં ટેનિસમાંથી નિવૃત્તિ થયેલી બાર્ટોલી નાટકીય રીતે ૧૯ કિલો વજન ઓછું કરીને હવે ૪૮ કિલોની થઈ ગઈ છે. તે ગત સપ્તાહે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન ટેનિસ કોર્ટ પર નજરે પડી તો પ્રશંસકો તેની હાલત જોઈને ચોંકી ઊઠ્યા હતા. ચહેરા પર કરચલીઓ અને હાથ તો એટલા પાતળા થઈ ગયા છે કે નસો સ્પષ્ટ દેખાઈ રહી છે. તે હાડપિંજર જેવી દેખાવા લાગી છે. બાર્ટોલીને જોયા પછી સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાનું શરૂ કરી દીધું છે.

બાર્ટોલીએ ૨૦૧૩માં વિમ્બલ્ડન ખિતાબ જીત્યો હતો. ત્યારે બીબીસીના એક કોમેન્ટ્રેટરે રમતની પ્રશંસા કરવાને બદલે તેના ભરાવદારપણાની મજાક ઉડાવતા કહ્યું હતું કે, ”બાર્ટોલીના પિતાએ ક્યારેક કહ્યું હશે કે સાંભળ, તું ક્યારેય એવી હોય કે લોકો તને જુએ. તું ક્યારેય શારાપોવા જેવી નહીં બની શકે, જે સુંદર છે અને જેના પગ લાંબા છે. આથી તારે હંમેશાં નુકસાન ભોગવવું પડશે.”

જોકે બાર્ટોલીએ કહ્યું, ”હું બિલકુલ બીમાર નથી, સંપૂર્ણપણે સ્વસ્થ છું. હું કૃત્રિમ ઉપાયોથી વજન ઓછું કરવાનો પ્રયાસ નથી કરતી. મારા ખાવા-પીવા અને જીવનશૈલીમાં કઠોર શિસ્ત અપનાવી છે. સપ્તાહમાં પાંચ વાર જિમ જાઉં છું. ટેનિસ કરિયર દરમિયાન મારે તાકાતની જરૂર હતી આથી ભારે ભોજન લેતી હતી. હવે મારી દિનચર્યા એવી નથી રહી, આથી ભોજનની માત્રા ઓછી કરી નાખી છે.”

You might also like