ડોપિંગમાં ફસાયેલી શારાપોવાને ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી શકે છે

મોસ્કોઃ ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ રહેલી મહિલા ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા રિયો ઓલિમ્પિકમાં રમે તેવી શક્યતાઓનું નિર્માણ થયું છે. આ અંગેની જાણકારી ઓલિમ્પિક સમિતિએ પોતાની વેબસાઇટ પર આપી છે. રશિયાના ટેનિસ મહાસંઘે આશા વ્યક્ત કરી છે કે મારિયા શારાપોવા રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં ભાગ લઈ શકશે. આ પહેલાં વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ કહ્યું હતું કે તા. ૧ માર્ચ પહેલાં જે ખેલાડીઓનો ડોપિંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો અથવા તેના નમૂનામાં એક માઇક્રોગ્રામથી ઓછું મેલડોનિયમ મળ્યું હોય તો એ માન્ય ગણાશે અને ખેલાડી પર કોઈ જાતનો પ્રતિબંધ નહીં લાગે.

માર્ચમાં શારાપોવાએ જણાવ્યું હતું કે ૨૦૧૬ની ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન તેના બ્લડ સેમ્પલમાં પ્રતિબંધિત પદાર્થ મેલોડોનિયમ મળી આવ્યું હતું, જેના કારણે વાડાએ એક જાન્યુઆરી ૨૦૧૬ તેના પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ પદાર્થનું સેવન કરનારા ખેલાડીઓને ડોપિંગ નિયમ અંતર્ગત દોષી ઠેરવાય છે. શારાપોવા પર ૧૨ માર્ચથી કામચલાઉ ધોરણે ટેનિસ મેચમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જોકે શારાપોવાએ જણાવ્યું કે તેને એ અંગેની કોઈ જાણકારી નહોતી કે તે જે દવા લઈ રહી છે તેમાં પ્રતિબંધિત પદાર્થ સામેલ છે, કારણકે તે પાછલાં ૧૦ વર્ષથી એ દવા લઈ રહી છે અને એ દવાને ૨૦૧૬ના જાન્યુઆરીમાં જ પ્રતિબંધિત કરી દેવામાં છે.

You might also like