માર્ચ-૨૦૧૮ સુધી ટ્રેન ઈ-ટિકિટ પર સર્વિસ ચાર્જ નહીંઃ રેલવે

નવી દિલ્હી: રેલ યાત્રીઅોને માર્ચ ૨૦૧૮ સુધી અોનલાઈન ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ પર છૂટ જારી રહેશે. સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં નોટબંધી બાદથી બુકિંગના ડિજિટલ માધ્યમને પ્રોત્સાહિત કરવા માટે સર્વિસ ચાર્જમાંથી છૂટ અાપી હતી. બાદમાં અા સુવિધા ૩ જૂન અને પછી ૩૦ સપ્ટેમ્બર સુધી વધારી દેવાઈ હતી.

અાઈઅારસીટીસીના માધ્યમથી ટ્રેનોની ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ ૨૦ રૂપિયાથી ૪૦ રૂપિયાની વચ્ચે લાગે છે. અાઈઅારસીટીસીને અપાયેલા અાદેશ બાદ રેલવે બોર્ડે અા સુવિધાને અાગામી વર્ષ માર્ચ સુધી વધારવાનું કહ્યું છે. રેલવેના અેક વરિષ્ઠ અધિકારીઅે જણાવ્યું કે અાઈઅારસીટીસીનું ૩૩ ટકા રેવેન્યુ અોનલાઈન બુકિંગ પર મળેલા સર્વિસ ચાર્જથી અાવે છે.

ગયા નાણાકીય વર્ષમાં અાઈઅારસીટીસીને ૧૫૦૦ કરોડની અાવક થઈ હતી. તેમાં ૫૪૦ કરોડ રૂપિયા ટિકિટ બુકિંગમાંથી અાવ્યા હતા. ૨૩ નવેમ્બર ૨૦૧૬થી લઈને ૨૮ ફેબ્રુઅારી ૨૦૧૭ સુધી રેલવેઅે સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્સના રૂપમાં ટિકિટ બુકિંગ પર યાત્રીઅો પાસેથી ૧૮૪ કરોડ રૂપિયા લીધા ન હતા.

You might also like