માર્ચ-૨૦૧૮માં પૂરી કરવાની આકારણીનો સમયગાળો ત્રણ મહિના લંબાવવાની માગ

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ એક પરિપત્ર બહાર પાડી માર્ચ ૨૦૧૮માં પૂરા કરી દેવાનાં આકારણીનાં કામકાજો માર્ચ ૨૦૧૭માં પૂરા કરવાના અચાનક આદેશ આપ્યા છે. માત્ર એક જ મહિનાના ટૂંકા સમયગાળામાં અધિકારીઓ દ્વારા આ આકારણી કરવી ખૂબ જ મુશ્કેલભર્યું કામકાજ છે.

બાર એસોસિયેશનના ટેક્સ પ્રેક્ટિસનર્સના જણાવ્યા પ્રમાણે કમિશનરના આ આદેશ સામે અમારી સંપૂર્ણ તૈયારી છે, પરંતુ સામે ડિપાર્ટમેન્ટના અધિકારીઓના રૂટિન કામની સાથેસાથે માત્ર એક જ મહિનામાં આકારણનું આ કામ કરવું મુશ્કેલરૂપ બની શકે છે, જેના પગલે તેની સમય સીમા ત્રણ મહિના વધારવાની માગ કરવામાં આવી છે. પરિણામે ટેક્સ પ્રેક્સિટસનર્સ સહિત વેપારીઓ અને અધિકારીઓને તેમાં રાહત થાય. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાલ કેલેન્ડર વર્ષ ૨૦૧૨-૧૩ની કામગીરી કરી રહ્યા છે ત્યારે એકાએક તેઓને વર્ષ ૨૦૧૩-૧૪ની આકરણી પૂરી કરી દેવાના આદેશો આપવામાં આવ્યા છે.

ટેક્સ પ્રેક્ટિસનર્સના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં અગાઉ સેલ્સટેક્સની સામે વેલ્યૂ એડેડ ટેક્સ આવ્યો ત્યારે પણ વેપારીઓને પૂરતો સમય ફાળવવામાં આવ્યો હતો. દરમિયાન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જીએસટી આવે તે પૂર્વે કામગીરીની સરળતા માટે ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વેટના કાયદામાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ નાણાકીય વર્ષ પૂરા થયા પછી જે ચાર વર્ષમાં આકારણીની કામગીરી પૂરી કરવાની જોગવાઇ કરાઇ છે તે હવે આ કામગીરી ત્રણ વર્ષ પૂરાં થાય ત્યારે જ પૂરી કરી દેવા ડિપાર્ટમેન્ટ ઇચ્છી રહ્યું છે. આ અંગે બાર એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ વારીશ ઇશાનીના જણાવ્યા પ્રમાણે એક મહિનાના ટૂંકા ગાળામાં અધિકારીઓ આ કામ પૂરું કરે તે અંગે શંકા છે ત્યારે સમયગાળો ત્રણ મહિના લંબાવવો જોઇએ.
http://sambhaavnews.com/

You might also like