આરસપહાણનું વૈવિધ્ય

એક સમયે મંદિરો, મકબરા અને મહેલો બાંધવા માટે વપરાતો આરસપહાણ(મારબલ) આજના લોકોની પહેલી પસંદ બની ગયો છે. ઘર હોય કે ઓફિસ કે પછી બીજું કોઇ બાંધકામ કરવાનું હોય ફ્લોરિંગ માટે મહદ અંશે મારબલ પર પસંદગી ઉતારવામાં આવે છે. મારબલની તાસીર ઠંડક આપનારી છે. રોયલ સ્ટોન તરીકે ઓળખાતા મારબલમાં ઘણી બધી વેરાઇટીઓ ઉપલબ્ધ છે. તાજમહાલમાં જે મારબલ વાપરવામાં આવ્યો છે એ મકરાણા મારબલ છે.

રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલા કિશનગઢથી ૬૦ કિમીના અંતરે મકરાણા આવેલું છે અને ત્યાંથી આ મારબલ મેળવવામાં આવે છે. એવી જ રીતે રાજનગર મારબલ જાણીતો છે. વિશ્વનો સૌથી મોટો મારબલ પ્રોડ્યુસ કરતો વિસ્તાર એટલે રાજનગર મારબલ. ઉદયપુરની આસપાસ વિવિધ યુનિટ ઊભા કરવામાં આવ્યા છે અને બે હજારથી વધુ લોકોની દેખરેખ હેઠળ રાજનગર મારબલનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજનગર મારબલમાં અગરિયા નામની એક વેરાઇટી છે, જે ઘણી લોકપ્રિય છે. આપણે જે લીલા રંગનો મારબલ જોઇએ છે તે જયપુર નજીક અંધી નામના ગામમાંથી મેળવવામાં આવે છે અને તેથી તેને અંધી મારબલ અથવા પિસ્તાં મારબલ તરીકે ઓળખવામાં આવે છે.

જોકે, સારિસ્કા વાઘ અભયારણ્ય આ વિસ્તારમાં આવેલું હોવાથી વડી અદાલતે આ વિસ્તારની મોટાભાગની ખાણો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેસલમેરમાંથી યેલો મારબલ મેળવવામાં આવે છે. શિલ્પ બનાવવા માટે મહદઅંશે અંબાજી મારબલનો ઉપયોગ કરવામાં આવે છે. આબુરોડ અને તેની આસપાસથી કાળા રંગના મારબલનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેને આબુ બ્લેક તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય પ્રદેશમાંથી કતની અને જબલપુર રેન્જ નામના મારબલ મળી આવે છે. લીલા રંગનો મારબલ મળે છે તે ઉદયપુર નજીક આવેલા કેસરિયાજીની આસપાસ આવેલી ખાણોમાંથી મેળવવામાં આવે છે. રાજસ્થાન આરસપહાણની ખાણોનું એપિસેન્ટર છે. તમે રાજસ્થાનની મુલાકાતે જશો તો કેટલીક વાર રસ્તામાં પણ તમને નાના પાયે ખોદકામ થઇ રહેલું જોવા મળશે. આ બધી જગ્યાઓ પરથી પણ આરસપહાણ કે ગ્રેનાઇટ જેવા પથ્થરો મેળવવાનું કામ કરવામાં આવે છે. ક્યારેક એવો વિચાર પણ આવે કે આમ તો રાજસ્થાનમાં ઘણાં પ્રવાસન સ્થળો પ્રચલિત છે ત્યારે ક્યારેક આ ખાણોની મુલાકાત લેવાનું પણ આયોજન કરવું જોઇએ, જેથી ખ્યાલ આવે કે આપણાં ઘરોમાં ચમકતો મારબલ કેવી રીતે તૈયાર થઇને આવે છે.
http://sambhaavnews.com/

You might also like