મરાઠા આંદોલન આક્રમકઃ મુંબઈમાં જેલ ભરો જંગ

મુંબઇ: મરાઠા આંદોલનની આંચ ધીમે ધીમે વધુ તેજ થઇ રહી છે. આંદોલનમાં અત્યાર સુધીમાં ૬ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આજે બપોરના ૧-૦૦ વાગ્યથી મુંબઇમાં મરાઠા સમુદાયને અનામતની માગણી માટે જેલ ભરો આંદોલન શરૂ થશે.
બીજી બાજુ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, જોકે મહારાષ્ટ્ર સરકારની આ અપીલની મરાઠા સમુદાય પર કોઇ અસર થઇ નથી.

આંદોલનકારીઓ દ્વારા આત્મહત્યાના બનાવો વધવાથી આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મરાઠા સમુદાયે જણાવ્યુું છે કે પોલીસ દ્વારા જાણી જોઇને નિર્દોષ લોકોની હિંસાચાર આચરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યાં સુધી તેમને છોડી મૂકવામાં આવશે નહીં અને કેસ પરત ખેંચવામાં આવશે નહીં ત્યાં સુધી મરાઠા સમુદાય જેલ ભરો આંદોલન ચાલુ રાખશે.

આ બાજુ રાજ્ય સરકારે પણ કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દીધો છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સર્વપક્ષીય બેઠક બાદ એવી જાહેરાત કરી હતી કે જે આંદોલનકારીઓ સામે હિંસાના ગંભીર આરોપ છે તેમને છોડીને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનારને છોડી મૂકવામાં આવશે અને કેસ પણ પરત ખેંચવામાં આવશે.

મરાઠા ક્રાંતિ મોરચાએ જાહેરાત કરી હતી કે હવે ૯ ઓગસ્ટ સુધી વારાફરતી જેલ ભરો આંદોલન ચાલુ રહેશે અને ત્યારબાદ ૯ ઓગસ્ટે મુંબઇમાં જંગી રેલી યોજવામાં આવશે અને રેલી બાદ મોટા પાયે આક્રમક આંદોલન છેડવામાં આવશે. જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર કોઇ લેખિત સ્વરૂપમાં કોઇ નક્કર નિર્ણય નહીં લે ત્યાં સુધી અનામતની આગ ઓલવાશે નહીં.

દરમિયાન લાતુર જિલ્લામાં મરાઠા અનામતની માગને લઇ આઠ દેખાવકારોએ પોતાના શરીરે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુુ પોલીસે સમયસૂચકતા વાપરીને તેમના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ૭ર,૦૦૦ની મેગા ભરતી પર રોક લગાવવાની માગણી મરાઠા સમુદાયે કરી છે. અનામત માટે મરાઠાઓનું આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. આ આંદોલનનું નેતૃત્વ મરાાઠા ક્રાંતિ મોરચાએ સંભાળ્યું છે.

ઔરંગાબાદમાં એક યુવાનની નદીમાં કૂદીને આત્મહત્યા બાદ આંદોલન વધુ હિંસક થઇ ગયું હતું. મુંબઇ, નવી મુંબઇ, થાણે,
પુણે, ઔરંગાબાદ, નાસિક, પરભણી સહિતના કેટલાય વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા.

You might also like