મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના મુદ્દે ભડકોઃ આજે ‘મહારાષ્ટ્ર બંધ’

મુંબઈ: સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગને લઈને મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં મરાઠાઓનું આંદોલન વધુ આક્રમક બન્યું છે. મરાઠા અનામતની માગણીને લઈને ગઈ કાલે ઔરંગાબાદમાં એક યુવાને ગોદાવરી નદીમાં ડૂબીને આત્મહત્યા કરતાં મરાઠા સમુદાયનો રોષ ભડકી ઉઠ્યો હતો અને આ યુવાનનાં મોતથી નારાજ લોકોએ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાડીઓ અને બસોમાં તોડફોડ કરી હતી.

યુવાનનાં મોત બાદ આજે મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. મહારાષ્ટ્ર બંધના એલાનને લઈને આજે કોલ્હાપુર, સતારા, સોલાપુર, પુણે અને મુંબઈમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. દરમિયાન મરાઠા સમુદાયની નારાજગીને લઈને ઔરંગાબાદના ડીએમ ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોરચાની મોટા ભાગની માગણી સ્વીકારી લીધી છે.

મરાઠા સમુદાયના આંદોલનને લઈને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ભારે સંકટમાં મુકાઈ ગયા છે અને તેમણે ચોમેરથી મરાઠા સમુદાયના રોષ અને આક્રોશનો સામનો કરવો પડી રહ્યા છે. ૭૨,૦૦૦ સરકારી નોકરીઓની ભરતીઓમાં મરાઠા માટે ૧૬ ટકા અનામત રાખવાના સીએમના નિર્ણયને લઈને આ આગ ઠંડી પડવાને બદલે વધુ ભડકી ઊઠી છે. મરાઠા સમાજનું માનવું છે કે મુખ્યપ્રધાને આ નિર્ણય મરાઠા સમાજને અપમાનીત કરવા માટે લીધો છે.

મરાઠાના ગઢ પુણેમાં સંભાજી બ્રિગેડ અને મરાઠા સેવા સંઘના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને તેવી માગણી કરી છે કે મુખ્ય પ્રધાન જાહેરમાં મરાઠા સમુદાયની માફી માગે. પૂજા કરવા માટે પંઢરપુર નહીં જવાના મુખ્યપ્રધાનના નિર્ણયથી પણ મરાઠા સમાજ ભારે નારાજ છે.

મરાઠા ક્રાંતિ મોરચાએ એવી માગણી કરી છે કે જ્યાં સુધી મરાઠા અનામત પર કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી મેગા ભરતી રદ કરવામાં આવે. દરમિયાન ઔરંગાબાદના ડીએમ ઉદય ચૌધરીએ જણાવ્યું છે કે સરકાર મૃતક યુવાન કાકાસાહેબ શીંદેના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર આપશે તેમજ તેમના નાના ભાઈને સરકારી નોકરી પણ આપવામાં આવશે.

You might also like