તાલિબાન, આઈએસ જેવો ખતરો બન્યા માઓવાદીઓ

નવી દિલ્હી: ભારતમાં માઓવાદી સંગઠન સીપીઆઈ દુનિયાના સૌથી ખતરનાક માનવામાં આવતા તાલિબાન, ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) જેવાં આતંકવાદી સંગઠનોનાં લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યું છે. આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. સમગ્ર દુનિયામાં ૨૦૧૫માં ૧૧,૭૭૪ આતંકવાદી હુમલા થયા. તેમાં ૨૮,૩૨૮ લોકો મૃત્યુ પામ્યા અને ૩૫,૩૨૦ ઘાયલ થયા.

આ ચોંકાવનારા રિપોર્ટ અનુસાર ઈરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાદ ભારત સૌથી પ્રભાવિત દેશ રહ્યો. ભારતમાં આ દરમિયાન ૭૯૧ હુમલા થયા. જેમાંથી ૪૩ ટકા હુમલાને માઓવાદીએ અંજામ આપ્યો. આતંકવાદીઓ હુમલામાં કુલ ૨૮૯ ભારતીયોએ જીવ ગુમાવ્યા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ માટે આતંકવાદ પર અભ્યાસ કરનાર એક સંગઠને આ આંકડા એકઠા કર્યા છે. રિપાર્ટમાં જણાવાયું છે કે તાલિબાન, ઈસ્લામિક સ્ટેટ અને બોકોહરામ દુનિયાના પહેલા ત્રણ સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે. ચોથા નંબર પર પ્રતિબંધિત સંગઠન માઓવાદીને મૂકવામાં આવ્યું છે.

સીપીઆઈ (માઓવાદી)એ વર્ષ ૨૦૧૫માં ૩૪૩ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો. જેમાં ૧૭૬ લોકો મૃત્યુ પામ્યા. તાલિબાને ૧,૦૯૩ ઘટનાઓને અંજામ આપ્યો. જેમાં ૪,૫૧૨ લોકોએ જીવ ગુમાવવો પડ્યો.  બીજી તરફ દુનિયા સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતા આઈએસએ ૯૩૧ હુમલા કર્યા. જેમાં ૬,૦૫૦ લોકો મૃત્યુ પામ્યા. જ્યારે બોકોહરામના ૪૯૧ હુમલાઓમાં ૫,૪૫૦ લોકોએ જીવ ગુમાવ્યો.

You might also like