ઝારખંડમાં નક્સલીઓએ ટ્રેન કબજે કરી બંને ડ્રાઈવરનુંં અપહરણ કર્યું

જમશેદપુર: ઝારખંડમાં ગઈ કાલે રાતે કોકપાડા સ્ટેશન પર ધનબાદ-ઝારગ્રામ પેસેન્જર ટ્રેન પર નકસલીઓઅે હુમલો કરી દોઢ કલાક ટ્રેન પર કબજો જમાવ્યા બાદ બંને ડ્રાઈવરનાં અપહરણ કરતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાથી મોડી રાત સુધી ટાટા ખડગપુર રેલવે લાઈન પરનો વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. આ ઘટનામાં સાતથી આઠ નકસલીઓએ પહેલાં સ્ટેશન પર ફાયરિંગ કર્યું હતું. અને બાદમાં સ્ટેશન માસ્તર,ગાર્ડ અને ડ્રાઈવરને મારપીટ પણ કરી હતી. જેના કારણે ટ્રેનમાં બેઠેલા ઉતારુઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે નકસલીઓએ કોઈ પેસેન્જરનું અપહરણ કર્યાની માહિતી નથી. ફાયરિંગ કર્યા બાદ નકસલીઓ સીધા સ્ટેશન માસ્તરના રૂમમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ ટ્રેનને લગભગ દોઢ કલાક રોકી રાખી ગુટુરખામના માર્ગેથી ચાકુલિયા તરફ પગપાળા જંગલ તરફ રવાના થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સીઆરપીએફની અેક ટીમ રાતે ૧૧-૩૦ કલાકે કોકપાડા સ્ટેશન પર પહોંચી ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નકસલીઓ ચાર બાઈક પર આવ્યા હતા.બાદમાં તેમણે ધનબાદ-ઝારગ્રામ મેમુ પેસેન્જર ટ્રેનના ચાલકને પિસ્તોલ બતાવી ટ્રેનને કબજે કરી હતી. આ ઘટના બાદ ઘાટશીલામાં પુરુષોતમ અેકસપ્રેસ ધલભૂમગઢમાં ઉત્કલ અેકસપ્રેસને અને ટાટા આવી રહેલી હાવડા-મુંબઈ મેઈલને સરહિડામાં રોકી દેવામાં આવી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

You might also like