હેરિટેજ મકાન ધરાવતાં ઘણાંને તે અંગેની જાણકારી જ નથી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોટ વિસ્તારના હેરિટેજ મકાનોની જાળવણી માટે જે તે મકાનમાલિકને ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) અપાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧ર નાગરિકોને ટીડીઆર અપાયા છે. તાજેતરમાં તંત્ર દ્વારા યોજાયેલા ટીડીઆર કેમ્પમાં હાજર રહેલા લોકો પૈકી મોટા ભાગનાએ પોતાનું મકાન હેરિટેજ ગણાય છે કે નહીં તે અંગેની પૂછપરછ કરી હતી. કોટ વિસ્તારના લોકોની ઉદાસીનતાના કારણે જ દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આવું અંધેર ચાલી રહ્યું છે.

શહેરનો સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તે માટે ઐતિહાસિક મકાનોનું સમયાંતરે સંરક્ષણ, જાળવણી અને જતન જરૂરી હોઇ હેરિટેજ મકાન ધરાવતા માલિકને રાજ્ય સરકારના આદેશથી હેરિટેજ ટીડીઆર અપાય છે. જે તે મકાનની હેરિટેજ વેલ્યુને ધ્યાનમાં રાખી એફએસઆઇના સ્વરૂપમાં અપાતા હેરિટેજ ટીડીઆર હેઠળ મકાનમાલિક એફએસઆઇનું વેચાણ દ્વારા તેનાથી મળતી આર્થિક સહાયથી મકાનનું રિપેરીંગ કરી શકે છે.

આમ તો કોટ વિસ્તારના હેરિટેજ મકાનની યાદીને સત્તાવાર ગેઝેટનાં ગત તા.રર જૂન, ર૦૧૬ના નોટિફિકેશનથી પ્રસિદ્ધ કરાઇ હતી. જે તંત્રની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર મુકાઇ છે. જેમાં કોટ વિસ્તારના રર૩૬ મકાન અને ૪૪૯ સ્થાપત્યનું ગ્રેડિંગ સાથેની યાદી મુકાઇ છે, જોકે આજે પણ અનેક હેરિટેજ મકાનધારકો પોતાના મકાનના હેરિટેજ મૂલ્યથી અંધારામાં છે.

એટલે હેરિટેજ ટીડીઆરના કેમ્પ દરમ્યાન મોટા ભાગના લોકોએ પોતાનું મકાન હેરિટેજ શ્રેણીમાં આવે છે કે કેમ તે અંગેની પૂછપરછ કરીને તંત્રને પણ આશ્ચર્યચકિત કર્યું હતું. મ્યુનિસ્પિલ હેરિટેજ વિભાગ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં નાગરિકોએ મકાનના સ્વખર્ચે રિપેરીંગમાં આગળનો કાષ્ઠ કોતરણીવાળો ભાગ, ચોક અને નળિયા કે પતરા ધરાવના ધાબામાં ફેરફાર કરી શકાય કે કેમ અંગે પણ પૂછપરછ કરી હતી.

જોકે યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યાને એક વર્ષથી વધુનો સમયગાળો વીત્યો હોવા છતાં પોતાના મકાનનું સ્ટેટસ જાણવા કોટ વિસ્તારના લોકોમાં ઉદાસીનતા પ્રવર્તી રહી છે તે બાબત ચર્ચાસ્પદ બની હોઇ કોટ વિસ્તારના જનપ્રતિનિધિઓની આ મામલે સેવાતી બેદરકારી પણ પ્રકાશમાં આવી છે.

You might also like