લાઈસન્સ માટે અનેક લોકોએ લેવી પડશે ફરી એપોઈન્ટમેન્ટ, જાણ કેમ..

અમદાવાદ: હાલમાં અમદાવાદ આરટીઓની લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા અંગેના સોફટવેર સાર‌િથ-૪નું અપડેટ થઇ રહ્યું હોવાથી કચેરીનું કામકાજ બંધ છે, પરંતુ દસ દિવસ પછીના સમયગાળા બાદ ર ડિસેમ્બરે જ્યારે પાકા લાઇસન્સ માટે અરજદારોએ આરટીઓમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી તે તમામ ઉમેદવારોની એપોઇન્ટમેન્ટ કેન્સલ થશે અને હવે તેમણે નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે.

જેમણે લર્નિંગ લાઇસન્સ કઢાવ્યાં હશે તેમણે પાકું લાઇસન્સ કઢાવવા માટે નવો નંબર જનરેટ કરાવવો પડશે એટલું જ નહીં, નંબર જનરેટ કરાવ્યા બાદ એપોઇન્ટમેન્ટ મળી શકશે.આરટીઓમાં રોજના ૩૦૦થી ૪૦૦ લર્નિંગ લાઇસન્સ નીકળતાં. હવે જેમની પાસે લર્નિંગ લાઇસન્સ છે અને પાકું લાઇસન્સ કઢાવવાનું બાકી છે તેવા અરજદારોની પેન્ડિંગની સંખ્યા મોટી છે એટલું જ નહીં ર૩ નવેમ્બર થી ર ડિસેમ્બર સુધીના સમયગાળાની તમામ એપોઇન્ટમેન્ટ કેન્સલ થતાં ૪,૦૦૦થી વધુ લાઇસન્સ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ એપોઇન્ટમેન્ટ લેવા નવેસરથી કવાયત કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉનું સાર‌િથ-ર સોફટવેર રદ થઇ જશે.

તે સમયે જેમણે લર્નિંગ લાઇસન્સ કઢાવી લીધાં હશે તેવા ઉમેદવારોએ ફરીથી ફોટા આપી આરટીઓમાં ફરી ઓનલાઇન ફોટો પડાવી નવો નંબર જનરેટ કરાવવો પડશે. અગાઉનો સાર‌િથ-ર સોફટવેરનો જનરેટ થયેલો નંબર રદ ગણાશે. આ અંગે આરટીઓ જી. એસ. પરમારે જણાવ્યું હતું કે, ઉમેદવારોને શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પરંતુ સાર‌િથ-૪ અપડેટ થવાની સાથે સિસ્ટમમાં ખૂબ જ સરળતા આવશે. મોટા ભાગના લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે, પરંતુ બાકી રહી ગયા છે તેમાં અમે હાલમાં માત્ર સરકારી પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ. સિસ્ટમ અપડેટ થવાના સમયગાળામાં જેમની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ હશે તેમને પહેલી પ્રાયોરિટી અપાશે એટલું જ નહીં કામકાજનો સમય વધારીને પણ અરજદારોને ન્યાય અપાશે.

You might also like