થલતેજની અનેક સોસાયટીઓમાં પાણી નહીં આવતાં લોકો ત્રસ્ત

અમદાવાદ: કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના પોશ વિસ્તાર ગણાતા થલતેજ વોર્ડમાં લાંબા સમયથી ઠેર ઠેર પાણીનો કકળાટ સર્જાયો છે. આ વોર્ડની ગૃહિણીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો ત્રાસ વેઠવો પડે છે.
કોર્પોરેશનમાં મ્યુનિસિપલ ભાજપના દંડક લાલાભાઇ ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ભાવનાબહેન પંડ્યા સહિત કુલ ચાર કોર્પોરેટરની પેનલ થલતેજ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં નવા પશ્ચિમ ઝોનના એડિશનલ ‌સિટી ઇજનેર સહિતના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ લાંબા સમયથી આ વોર્ડની ગૃહિણીઓને સહેવી પડતી પાણીની તકલીફ તરફ ઉપેક્ષા દાખવી રહ્યા છે. થલતેજ ગામના પટેલવાસ, ઠાકોરવાસ, પ્રજાપતિવાસ અને દેવીપૂજકવાસમાં પાણીના પ્રશ્ન છે.

હેબતપુર રોડ પરની સુવર્ણ વિલા, નારાયણ પેલેસ, મારુતિનંદન અને સત્યમ બંગલો સોસાયટીના લોકો પાણીનો પોકાર પાડે છે તો ગુરુકુળ રોડ પરના થલતેજ વોર્ડમાં આવતી મેમનગર વિસ્તારની ને‌િમનાથ, જનકપુરી અને બાપુકૃપા સોસાયટીમાંથી પણ પાણીની બૂમો ઊઠી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાવનાબહેન પંડ્યાએ ઉગ્ર રજૂઆત કરીને તંત્ર પર પસ્તાળ પાડી હતી. તેમ છતાં ‘સ્થિતિ’ યથાવત્ છે.

દરમ્યાન થલતેજ વોર્ડના પાણીના પ્રશ્નો અંગે સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિસિપલ ભાજપના દંડક લાલાભાઇ ઠાકોરને પૂછતાં તેઓ કહે છે, “ઠાકોરવાસમાં પાણીની તકલીફ અંગે મને ફરિયાદ મળી છે, પરંતુ બોડકદેવ પમ્પિંગ સ્ટેશનના ત્રણ પૈકી એક પંપ લીકેજ થયો હોવાથી આ સમસ્યા સર્જાતાં લોકોને ટેન્કર દ્વારા પાણી પૂરું પડાયું હતું. અન્ય સ્થળોથી મને કોઇ ફરિયાદ મળી નથી.

http://sambhaavnews.com

You might also like