નામના તથા કીર્તિનો મોહ માનવીના અનેક ભવ બગાડે છે

આજના ફાસ્ટ યુગમાં સમગ્ર દુનિયાનું ધન ગટરમાં જઇ રહ્યું છે. આ ગટરની પાઇપો ખૂબ જ મોટી થઇ ગઇ છે, તે શા માટે? કારણ કે ધનને જવા માટે સ્થાન જોઇએ ને? કમાયેલું બધું ખાઇ-પીને ઢોળાઢોળ કરતાં તે ગટરમાં જ જાય છે. એક પણ પૈસો સાચા માર્ગે જતો નથી અને જે પૈસો ખર્ચવામાં આવે છે, કોલેજોને દાન આપ્યું, ફલાણું આપ્યું એ બધું એક પ્રકારે પોતાનો અહમ સંતોષવાનો જ પ્રયાસ છે એમ કહી શકાય. અહમ વગરનો પૈસો જાય તે સાચું કહેવાય. બાકી આ તો અહંકાર પોષવાનો પ્રયાસ છે. કીર્તિ મળે નિરાંત થાય, પણ કીર્તિ મળ્યા પછી એનું ફળ મળે છે. એ પછી કીર્તિ જ્યારે ઊંધી થાય ત્યારે શું થાય? અપકીર્તિ થાય ત્યારે ઉપાધિ ઉપાધિ થઇ જાય. એના કરતાં કીર્તિની આશા જ ના રાખવી જોઇએ. કીર્તિની આશા રાખે તો અપકીર્તિ આવે ને? જેને કીર્તિની આશા નથી એને અપકીર્તિ મળે જ કેવી રીતે?

કોઇ વ્યક્તિ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તકતી મુકાવડાવે અને કોઇ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે પણ ખાનગી રીતે આપે તો આ ખાનગી આપે એની બહુ મોટી કિંમત છે, પછી ભલેને એક જ રૂપિયો આપ્યો કેમ ન હોય અને આ તકતી મુકાવીએ તો બેલેન્સશીટ પૂરી થઇ ગઇ. સોની નોટ તમે મને આપી ને મેં તમને છૂટા આપ્યા એમાં મારે લેવાનુંય ના રહ્યું અને તમારે આપવાનુંય ના રહ્યું. એવી જ રીતે ધર્માદા કરીને પોતાની તકતી મુકાવવી અને પછી લેવા-દેવાનું કશું રહ્યું જ નહીં ને? કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તકતી મુકાવીને લઇ લીધું અને જેણે એક જ રૂપિયો પ્રાઇવેટમાં આપ્યો હશે એનું લેવાઇ-દેવાઇ ગયું નથી એટલે એનું બેલેન્સ બાકી રહ્યું.

આપણે મંદિરોમાં દર્શનાર્થે જઇએ છીએ ત્યારે આપણને કેટલીક જગ્યાએ આખી ભીંતો તકતીઓથી ભરેલી જોવા મળે છે. આ તકતીઓની કિંમત કેટલી કહેવાય? તકતી એટલે કીર્તિ હેતુ માટે લગાવાય તે અને જ્યાં કીર્તિ હેતુ ઢગલાબંધ હોય ત્યાં માણસ જુએ જ નહીં અને વિચારે કે આમાં શું વાંચવાનું? આખા મંદિરમાં એક જ તકતી હોય તો કોઇને વાંચવાની ઇચ્છા થાય પણ ખરી, પરંતુ જ્યાં ઢગલાબંધ કે આખે આખી ભીંતો તકતીઓથી ભરપૂર હોય તો શું થાય? આમ છતાં ઘણા લોકો કહે છે કે મારી તકતી મુકાવજો. લોકોને તકતીઓ જ પસંદ છે. આજકાલ લોકોને પોતાની નામના તથા કીર્તિ વધે તે માટે પ્રયત્નો કરવા ગમતા હોય છે. તેથી તેઓ જ્યાં તેમના નામનાં બોર્ડ લાગે ત્યાં દાનનો દરિયો વહાવી દે છે, પરંતુ જરૂરિયાતમંદને મદદ કરતાં તેમનો જીવ ખચકાય છે. સમાજ માટે આ બાબત ખોટી છે.

You might also like