હીરાબજારની ચમક ઊડીઃ દિવાળીના દિવસો પછી અનેક કારખાનાં બંધ

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાંથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી, તેમાં હવે ક્રિસમસની ખરીદી નહીં નીકળતાં હીરાબજારનું નૂર ઊડી ગયું છે. નાના અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું માર્કેટ સુરત હોઈને મંદી વધતાં દિવાળી વેકેશન પછી પણ ૩૦ ટકાથી વધુ નાના કારખાનાઓ શરૂ થઈ શક્યા નથી.

દિવાળી પછી હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં. ૧ ડિસેમ્બર, ર૦૧૮ સુધીનો સમય લાગશે તેવી ધારણા હતી, જે હવે લંબાઈ શકે છે. સૌથી પહેલાં મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતાં હજુ પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે એ મુશ્કેલીએ નાના હીરાના કારખાનાઓને કામ મળતાં હજુ ૧પ દિવસ લાગશે.

દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી.

દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર મળવાની અપેક્ષા હતી. દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. પરંતુ ક્રિસમસમાં જ્વેલરીની માગમાં ઘટાડો થતાં અમદાવાદના હીરાબજારને પણ તેની અસર પડી છે.

ક્રિસમસના તહેવાર માટે દાગીનાની તૈયારી સંબંધની પો‌િલશ્ડની ખરીદી દોઢ-બે મહિના પહેલાં જ પૂરી થઈ ગઈ હોવાથી અત્યારે હીરાબજારમાં કામકાજ ઘટ્યાં છે. જોકે મંદી ઉપરાંત રફના ઊંચા ભાવને પરવડતું નહીં હોવાના કારણે રફની ખપત ઘટી છે અને પોલીશ્ડના ઉત્પાદનમાં ત્રીસેક ટકાનો ઘટાડો આવ્યો છે.

હીરા બજારમાં કામકાજ કરતાં સૂત્રોએ જણાવ્યું કે ક્રિસમસની ખરીદી ઉપર બ્રેક લાગી હોવાથી હીરાજારમાં કામકાજ ઓછાં છે પણ ચૂંટણી વેપારમાં મંદી તથા રફના ઊંચા ભાવની પણ અસર વેપાર ઉપર છે. હીરાનાં વેપારમાં અત્યારે ત્રીસેક ટકાનો ઘટાડો આવી ગયો છે. જીએસટીની આડકતરી અસર પણ હજુ હીરાબજારમાં છે.

You might also like