ગાઢ ધુમ્મસને કારણે ઠેર ઠેર અકસ્માતોઃ ૧૧ વ્યક્તિનાં મોત, અનેકને ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈ વે પર ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતોની હારમાળા સર્જાતાં અા અકસ્માતોમાં ૧૧ વ્યક્તિના મોત થયાં હોવાનું અનેક લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે બારડોલી-મહુવા હાઈ વે પર તરસાળી ગામના પાટિયા પાસે ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે પાંચ વાહનો સામસામે અથડાતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં મનીષભાઈ પટેલનું મોત થયું હતું જ્યારે અાઠ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરતના ડુમસ રોડ પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં પાંચ વર્ષના એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

અા ઉપરાંત અંક્લેશ્વર હાઈ વે પર કાપોદરા પાટિયા નજીકથી પસાર થઈ રહેલી રેતી ભરેલી ટ્રકના ચાલકો ધુમ્મસના કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે રાહદારીનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.
અા ટ્રક ઝાડ સાથે અથડાતાં ઝાડ પર ધરાશાયી થઈ ગયું હતું. વડોદરા-હાલોલ રોડ પર વાસદ નજીક કારે બાઈકને અડફેટે લેતાં બિલકિસબાનુ નામની મહિલાનું મોત થયું હતું જ્યારે ત્રણ જણાને ઈજા થઈ હતી. હાલોલ નજીક જ શિવરાજપુર ગામ પાસે પણ ધુમ્મસના કારણે બે બાઈક વચ્ચે અથડાતા સંદીપ વરિયા નામના એક વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી.
કચ્છના માથક નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થતાં કિશોરભાઈ કારાભાઈ નામના યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે તેમના પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી. ઊના રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર બેસી લગ્નમાં જઈ રહેલા બાબાભાઈ અને જયંતીભાઈની નામની વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે વરતેજ રોડ પર ટ્રકની અડફેટે અાવી જતા મેહુલ ભરવાડ નામના યુવાનનું મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

You might also like