મનરેગા હવે મજૂરોને આકર્ષી શકશે!

ર૦૦પમાં કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારે અમલમાં મૂકેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંયધરી યોજના (મનરેગા) વિવાદો વચ્ચે પણ સફળ પુરવાર થઈ રહી છે. ર૦૧૪માં નવી ચૂંટાયેલી કેન્દ્ર સરકારે પ્રથમ તો આ યોજનાએ યુપીએ સરકારની નિષ્ફળતા જ ગણાવી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરંટેડ રોજગારી પૂરી પાડતી આ યોજનાનું મહત્ત્વ સમજ્યા બાદ સરકારે આ વર્ષના બજેટમાં સૌથી વધુ રકમ આ યોજનાને ફાળવી છે. સાથે જ તેની રોજગારી અને દિવસોમાં પણ વધારો કર્યો છે. જેનો ગ્રામ્ય રોજમદારોને સૌથી વધુ લાભ મળી શકશે.

‘અભિયાને’ ૨ જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાં ‘મનરેગા યોજનાઃ એક દાયકા બાદની ગુજરાતની સ્થિતિ’ શીર્ષક હેઠળ વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ અનુસાર ૪૦ ટકા ગામડાઓએ યોજનાનો લાભ મેળવ્યો નહોતો. જેનું મુખ્ય કારણ ૧૦૦ દિવસની જ રોજગારી અને દૈનિક ૧૦૦ રૂપિયાનું મહેનતાણું હતું.

અહેવાલમાં સ્પષ્ટ જણાવાયુ હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને ખેતીકામમાં વધુ રોજગારી મળતી હોવાથી મોટા ભાગનાં ગામોએ આ યોજનામાં રસ દાખવ્યો નહોતો. કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં યોજનાને જંગી રકમ ફાળવવાની સાથે નિશ્ચિત રોજગારીમાં પ૦ દિવસનો અને મહેનતાણામાં ૭૯ રૂપિયાનો વધારો કર્યો છે. આમ હવે પ્રતિદિન ૧૭૯ રૂપિયાના મહેનતાણા સાથે ૧પ૦ દિવસની રોજગારી મળશે. જેથી મહત્તમ ગામડાંઓ યોજના સાથે જોડાય અને લોકોને તેનો સીધો લાભ મળી શકે.

You might also like