મનપ્રીતે ડોપિંગનો ચોગ્ગો ફટકાર્યો

એશિયન ગ્રાં પ્રી અને ફેડરેશન કપ બાદ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને આંતરરાષ્ટ્રીય મીટના ડોપિંગ ટેસ્ટમાં પણ મનપ્રીત કૌર નિષ્ફળ રહીનવી દિલ્હીઃ ચીનમાં યોજાયેલી એશિયન ગ્રાં પ્રી અને પટિયાલામાં યોજાયેલ ફેડરેશન કપમાં ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેનારી ભારતીય ગોળાફેંક મહિલા એથ્લીટ મનપ્રીત કૌર હવે વધુ એક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભુવનેશ્વરમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને ગુંટુરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મીટ દરમિયાન મનપ્રીતના લેવાયેલા ડોપ સેમ્પલમાં પણ તે નિષ્ફળ રહી છે.

મનપ્રીતે આ વર્ષે કેટલાંક શાનદાર પ્રદર્શન કર્યાં હતા, પરંતુ તેના સેમ્પલમાં ફરીથી શક્તિવર્ધક ડાઇમેથિલબુટિલેમાઇન નામનો પદાર્થ મળીઆવ્યો છે. આ શક્તિવર્ધક પદાર્થ એશિયન ગ્રાં પ્રી અને ફેડરેશન કપ દરમિયાન લેવાયેલા મનપ્રીતનાં સેમ્પલમાં પણ મળી આવ્યાં હતાં. એ જ કારણ છે કે અંબાલાની આ એથ્લીટ લંડનમાં યોજનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી નહોતી અને તેને પ્રાથમિક રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા) ટૂંક સમયમાં મનપ્રીત સામે સુનાવણી માટે શિક્ષાત્મક સમિતિની નિયુક્તિ કરશે. ખાસ વાત એ છે કે હવે મનપ્રીતે એશિયન ગ્રાં પ્રી, ફેડરેશન કપ, એશિયન ચેમ્પિયનશિપ અને રાજ્ય ચેમ્પિયનશિપમાં જીતેલા ગોલ્ડ મેડલ છીનવાઈ શકે છે. આમાં એશિયન ગ્રાં પ્રીનો મેડલ બહુ જ મહત્ત્વપૂર્ણ છે.

ચીનમાં વિશ્વ ડોપિંગ વિરોધી એજન્સી (વાડા)એ તેનું સેમ્પલ લીધું હતું. એ સેમ્પલમાં મેટનેલોન સ્ટેરોઇડ મળી આવ્યું હતું અને ‘વાડા’એ આ વાત ‘નાડા’ને જણાવી હતી. ડાઇમેથિલબુટટિલેમાઇન ‘વાડા’ની પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં આવે છે, પરંતુ સ્ટેરોઇડ અનિર્દેશિત શ્રેણીમાં આવે છે.

You might also like