ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર ગોવા સરકારનું નેતૃત્વ કરશે. પર્રિકરની બીમારીને લઇને કેટલીક અટકળો ચાલી રહી હતી કે, ભાજપ મુખ્યમંત્રી પદનો કારભાર કોને સોંપી શકે છે. ત્યારે આ તમામ શક્યતાઓ વચ્ચે કોંગ્રેસે પણ રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

મહત્વનું છે કે તમને જણાવી દઇએ કે, છેલ્લાં ઘણાં સમયથી પૂર્વ રક્ષામંત્રી અને ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરને શનિવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની તબિયત એકાએક લથડતા રાજ્યમાં તેઓની જગ્યાએ કોઇ અન્ય નવાં મુખ્યમંત્રી બનાવવાની શક્યતાઓ સેવાઇ રહી હતી.

જો કે અમિત શાહે રવિવારનાં રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગોવા પ્રદેશ ભાજપની કોર ટીમની સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગોવા સરકારનું નેતૃત્વ ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકર જ કરતા રહેશે. પ્રદેશ સરકારનાં મંત્રીમંડળ અને વિભાગોમાં ફેરફાર પણ તાત્કાલીક ધોરણે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મનોહર પર્રિકર અગ્નાશય કેન્સરથી પીડિત છે. પર્રિકર છઠ્ઠી સપ્ટેમ્બરનાં રોજ અમેરિકાથી સારવાર કરાવીને ભારત પરત ફર્યા છે. ત્યાં તેઓએ એક અઠવાડીયા સુધી સારવાર કરાવી હતી. આ પહેલા મુખ્યમંત્રી પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને વિનંતી કરી હતી કે રાજ્યનાં નેતૃત્વ માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

You might also like