Categories: India

વૈદ્યનાં વિવાદાસ્પદ વિધાનોનો ઉપાય ભાજપે શોધવો પડશે

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. બરાબર એ જ સમયે ફરી આરએસએસ અનામતના વિવાદમાં અટવાયો છે. સમાજ કાર્યના નવા દાયકા પછી પણ મીડિયા સંઘને આસાનીથી જાળમાં ફસાવી જાય છે અને સંઘના અધિકારીઓનાં વિધાનો પ્રસિદ્ધ થયાં પછી જ્યારે ગેરસમજો ઊભી થાય છે ત્યારે સંઘ ખુલાસાઓ કરીને થાકે છે, પરંતુ તેમની વાત કોઈ જલદી સ્વીકારવા તૈયાર થતું નથી. મીડિયા સાથે કામ પાડવામાં આટલું ભોળપણ આજના સમયમાં ચાલે તેવું નથી. કમસે કમ બિહારની ચૂંટણી પૂર્વે સંઘના વડા મોહન ભાગવતનાં અનામત અંગેનાં વિધાનોએ સર્જેલા વિવાદને પગલે બિહારની ચૂંટણીમાં ભાજપને જે નુકસાન થયું હતું એ અનુભવ પછી અનામત વિશે ચૂંટણીના સંજોગોમાં બોલતાં પહેલાં સંઘના અધિકારીઓએ વિચારવું જોઈએ.

મીડિયાના લોકો તેમનાં વિધાનોને સંદર્ભ વિના તોડી-મરોડીને રજૂ કરે છે. એવી સંઘની ફરિયાદમાં તથ્ય હોય તો પણ સંઘના લોકોએ એક વાત સમજવી રહી કે મીડિયાના લોકોની કામ કરવાની એક પ્રણાલી હોય છે અને તેમની મર્યાદા પણ હોય છે. સંઘના અધિકારીઓ તેમને પુછાયેલા પ્રશ્નના લાંબા ફિલોસોફીથી ભરપૂર જવાબો આપે છે ત્યારે એ બધું મીડિયામાં યથાતથ પ્રસિદ્ધ થવાની અપેક્ષા તેઓ રાખી શકે નહીં. આ વખતે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ જયપુર લિટ. ફેસ્ટિવલમાં સવાલ-જવાબના સેશનમાં અનામત વિશેના એક પ્રશ્નમાં તેમણે જે કાંઈ કહ્યું તેમાંથી મીડિયામાં એટલું જ આવ્યું કે અનામત ખતમ થવી જોઈએ. મીડિયા કાંઈ સંઘના પાળેલા પોપટ નથી કે તેમના શબ્દો યથાતથ પ્રસ્તુત કરે. મીડિયા તેમનાં વિધાનોમાંથી સનસનાટી સર્જે એવી વાત પસંદ કરે તો પણ તેમાં મીડિયાનો દોષ નથી. જયપુરમાં મનમોહન વૈદ્યને પુછાયેલો પ્રશ્ન હકીકતમાં મુસ્લિમો જેવી લઘુમતીઓને અનામતનો લાભ આપવા અંગેનો હતો. વૈદ્યએ પ્રત્યુત્તરમાં બાબાસાહેબ આંબેડકરને ટાંકીને તેમની વાત કરી. આખરે વાત તો એ જ હતી કે કોઈ પણ દેશમાં અનામત કાયમી હોઈ શકે નહીં. ક્યારેક તો તેનો અંત લાવવો પડે. એ વાત કહેવા માટે આંબેડકરના વિચારનો આશ્રય લેવામાં આવે તો પણ તેમાં સંઘનો દૃષ્ટિકોણ આવી જ જાય. એસસી- એસટીને અનામત અને લઘુમતીને અનામત એ બંને અલગ વિષય છે. પણ એક જ જવાબમાં બંને વિશે વાત કરવામાં આવે ત્યારે મીડિયાના રિપોર્ટિંગમાં ભેળસેળ થઈ જવાની સંભાવના રહે જ છે. આવું

કાંઈ એકલા સંઘના અધિકારીઓના કિસ્સામાં જ થતું નથી. અન્ય મહાનુભાવોનાકિસ્સામાં પણ આવું બનતું રહે છે. અનામત ખતમ થવી જોઈએ એવું કહેવાને બદલે પછાત વર્ગો માટે અનામત યોગ્ય છે એટલું જકહ્યું હોત તો પણ હેતુ સરી ગયો હોત. સંઘના અધિકારીઓને વારંવાર અનામત જેવા વિષયે પૂછવામાં આવે ત્યારે તેના હેતુને પણ સમજી લેવા પડે.

ખરેખર તો જયપુર લિટ. ફેસ્ટિવલમાં પુછાયેલો અનામત વિશેનો પ્રશ્ન મનમોહન વૈદ્ય માટે અગાઉની આવી ભૂલ સુધારી લેવાની તક હતી. એ તક ઝડપી લેતાં આવડી નહીં. રાજકીય પક્ષો સંઘના અધિકારીઓનાં વિધાનોને વિવાદનો વિષય બનાવી રાજકીય લાભ મેળવવાના પ્રયાસ કરશે જ. ચૂંટણી એ જંગ છે અને તેમાં આવાં બધાં જ સાધનો ઉપયોગમાં લેવાય. પ્રચાર અને અપપ્રચાર બધું જ યુદ્ધમાં યોગ્ય જ ગણાય છે. મહાભારતના યુદ્ધમાં ‘નરો વા કુંજરો વા’ પણ આવો જ અપપ્રચાર હતો પણ તેનો લાભ લેવાયો જ હતો. સંઘના અધિકારીઓનાં વિધાનોથી ભાજપને નુકસાન થાય એવા સંજોગોમાં સંઘને ભાજપ સાથે કશી લેવાદેવા નથી એવું કહ્યે ચાલે તેમ નથી. એ ભૂલનો માત્ર પાંગળો બચાવ છે. ચૂંટણી જેવા લોકતંત્રના આધુનિક યુદ્ધમાં સંઘ પણ ભાજપની સેનાનું  અંગ હોય છે. એટલે ભાજપને થતા રાજકીય નુકસાન બાબતે સંઘ સંવેદનહીન બની શકે નહીં. આવી બાબતમાં સંઘને કશું કહેવાનું ભાજપનું ગજું નથી. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપને થનાર સંભવિત નુકસાનને ખાળવાની વ્યૂહરચના ભાજપે જ તૈયાર કરવી પડશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

11 hours ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

11 hours ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

11 hours ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

11 hours ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

12 hours ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

12 hours ago