મધ્ય ગુજરાતની 11 બેઠક માટે ભાજપમાં શરૂ થયું મનોમંથન

અમદાવાદ: લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીતી શકે તેવા મુરતિયાઓની પસંદગી માટેનાં પ્રયાસો શરૂ કરી દીધા છે. ગઈ કાલથી ૧૯ માર્ચ સુધી ભાજપ પ્રદેશ સમિતિથી બેઠક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના બંગલે શરૂ થઇ ગઇ છે.

આજે બીજા દિવસે પ્રદેશ પાર્લામેન્ટરી ચૂંટણી સમિતિની બેઠકમાં આજે અમદાવાદપૂર્વ અનેપશ્ચિમ,મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. સંભવિત ઉમેદવારોની પેનલ બનાવીને કાલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલી આપવામાં આવશે.

અમદાવાદના પશ્ચિમ બેઠકના વર્તમાન સાસંદ કિરીટ સોલંકીને રિપિટ કરવામાં આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલ ચૂંટણી નહીં લડે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠક માટે ખાડિયાના પૂર્વ ધારાસભ્યો ભૂષણ ભટ્ટ આવે નરોડાના નિર્મલા વાધવાનીએ પણ દાવો રજૂ કર્યો છે.

ભાજપની પરંપરાગત બેઠક એવી અમદાવાદ પૂર્વ બેઠક પરપ્રાંતીય, ઓબીસી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. સૌરાષ્ટ્રના પાટીદારોનો અમદાવાદ પૂર્વ બેઠક પર પ્રભાવ રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં ભાજપના હાલના સાંસદ પરેશ રાવલની ટિકિટ કપાઈ શકે છે. તેના બદલે ભાજપમાંથી અભિનેતા મનોજ જોશી, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને ભાજપ મેદાને ઉતારી શકે.

બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ ૩૭ જેટલા દાવેદારોએ ટિકિટ માગી છે. સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અને ઈસ્કોન ગ્રૂપના ચેરમેન પ્રવીણ કોટકને ટિકિટ મળે તેના માટે પણ તેમના સમર્થકો એ રજૂઆત કરી છે . બનાસકાંઠા લોકસભા બેઠક માટે શંકર ચૌધરીએ દાવેદારી નોંધાવી છે.

શંકર ચૌધરીએ ટિકિટ માટે રજૂઆત કરી હતી. જેમાં સૌથી વધુ ચૌધરી સમાજના સભ્યોએ દાવેદારી નોંધાવી છે. તો સામે ઠાકોર સમાજના સભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે. ભાજપમાંથી ટિકિટ મળી શકે તેવા મુખ્ય દાવેદારોમાં શંકર ચૌધરી, હરિભાઈ ચૌધરી, પરથિ ભટોળ, કેશાજી ચૌહાણનાં નામો ઉપર ચર્ચા હાથ ધરાશે.

મહેસાણામાં ૨૩ પાટીદાર અને બે ઠાકોર સમાજના કાર્યકરોએ ટિકિટ માગી છે. આ ૨૫ પૈકી ૧૩ જેટલા ૮૪ કડવા પાટીદાર સમાજનાં કાર્યકરોએ દાવેદારી કરી હતી. મુખ્ય દાવેદારોમાં જયશ્રીબહેન પટેલ, રજનીભાઈ પટેલ (પૂર્વ ગૃહમંત્રી), એમ.એસ.પટેલ(અધિકારી), ડો.આશાબહેન પટેલ, ડો.અનિલ પટેલ, ડો.જી.કે.પટેલ, જીવાભાઈ પટેલ, અંબાલાલ પટેલ, નટુજી ઠાકોરનાં નામો ચર્ચામાં છે. સંભવિત ઉમેદવારોની પેનલ બનાવીને કાલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલી આપવામાં આવશે. આવતી કાલે ૧૯ માર્ચે કચ્છ, સૌરાષ્ટ્રની ૪ બેઠકની સમીક્ષા કરવામાં આવશે.

You might also like