મનીષ અને આનંદ શહેરના ડ્રગ ડીલર્સ સાથે સંપર્કમાં હતા

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના આરોપી મનીષના સેલફોનની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આનંદ ખંડેલવાલનો પણ નંબર મળી આવ્યો હતો. પોલીસે બંનેના કોલ રેકોર્ડની તપાસ કરતાં બંને અમદાવાદના કેટલાક ડ્રગ ડીલરોના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી મનીષ પોતાનો સેલફોન હત્યા બાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી લઈ જઈ શક્યો ન હતો અને પોલીસે તેના ફોનની તપાસ કરતાં વિગતો બહાર આવી છે.

ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ પોલીસે મનીષ અને આનંદના ફોન રેકોર્ડની તપાસ કરતાં કેટલાક નંબરો મળી આવ્યા હતા. જેમાં અમદાવાદના ત્રણથી ચાર નંબરો નીકળ્યા હતા. પોલીસે શંકા વ્યકત કરી છે કે ડ્રગ ડીલની અંદર આ વ્યક્તિઓ સંડોવાયેલી હોઈ શકે ઉપરાંત કેટલાક ડ્રગ ડીલરોનાં નામ અને નંબર પણ પોલીસના હાથે લાગ્યા છે.

આરોપી મનીષ, આનંદ બંને જયપુરથી અમદાવાદ બસ મારફતે આવ્યા હતા અને મુંબઈ ખાતે એક ડ્રગ ડીલર સાથે ડ્રગની ડીલ કરવાના હતા. પોલીસે આનંદ ખંડેલવાલના નંબર પર મનીષ પાસે ફોન કરાવતાં આનંદે ફોન ઉપાડ્યો હતો પરંતુ આનંદને શંકા જતાં તેણે ફોન કટ કરી અને ફોન બંધ કરી દીધો હતો. આનંદને ઝડપવા માટે ક્રાઇમ બ્રાન્ચે હાલ જયપુર પોલીસની પણ મદદ લીધી છે. હાલમાં શહેરના કેટલાક ડ્રગ ડીલરોની માહિતી મળી છે.

You might also like