પાકિસ્તાનમાં ભારતીય પાઈલટની ધરપકડ પર બનેલી ફિલ્મમાં અભિનંદનના પિતાએ મણિરત્નમને મદદ કરી હતી

(એજન્સી)નવી દિલ્હી, ગુરુવાર
નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન હાલમાં પાકિસ્તાનની કેદમાં છે. તેમના પરિવારે વડા પ્રધાન મોદીને આ અંગે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે. અભિનંદનના પિતા એસ.વર્ધમાન વાયુસેનામાં ફાઇટર પાઈલટ રહી ચૂક્યા છે. તેણે મણિરત્નમની ફિલ્મ ‘કાતરુ વેલીયિદાઇ’નાં નિર્માણમાં પણ મદદ કરી હતી. આ ફિલ્મની કહાણી પણ વાયુસેનાના એક પાઈલટની પાકિસ્તાનમાં ધરપકડ પર આધારિત છે.

પુંચ અને રાજોરીમાં ત્રણ પાકિસ્તાની લડાકુ વિમાનો ઘૂસ્યાં ત્યારે ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ ઘૂસણખોરીનો જવાબ આપવા બે મિગ -૨૧ અને ત્રણ સુખોઇ-૩૦ મોકલ્યાં હતાં. મિગના પાઇલટે એક પાકિસ્તાની એફ-૧૬ ઉડાવી દીધું. આ દરમિયાન આપણું એક મિગ ક્રેશ થયું અને પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની કેદમાં છે.

અભિનંદનની પત્ની તન્વી મારવાહ સ્ક્વાેડ્રન લીડરના પદથી રિટાયર થઇ ચૂકી છે. પિતા એસ.વર્ધમાન ચેન્નઇમાં રહે છે. અત્યારે કોઇ પણ વ્યક્તિને તેમને મળવા દેવાતા નથી. તેમણે ખુદ પણ ફોન પર વાત કરવાનો ઇન્કાર કર્યો છે. ઘરની બહાર હાજર કુંદન નાથન નામના એક સંબંધીએ અભિનંદનની સકુશળ મુક્તિની પ્રાર્થના કરી.

અભિનંદને પિતાના નકશેકદમ પર ચાલીને ૨૦૦૪માં વાયુસેના જોઇન્ટ કરી હતી. તેમના પિતા એસ.વર્ધમાન ૧૯૭૩માં ફાઇટર પાઇલટ બન્યા હતા. તેઓ દેશના એ પસંદગીના પાઇલટમાં સામેલ છે, જેમની પાસે ૪૦ પ્રકારનાં વિમાન ઉડાવવાનો અનુભવ છે. તેમની પાસે ૪૦૦૦ કલાકથી વધુ ઉડાનનો પણ અનુભવ છે. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન મિરાજ સ્ક્વોડ્રનના ચીફ ઓપરેશન ઓફિસર હતા.

You might also like