મણિપુર વિધાનસભાની ચૂંટણી પૂર્વે હિંસાઃ સાત માસના બાળકને ઈજા

ઈમ્ફાલ: મણિપુર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હિંસક ઘટનામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી આર્થિક નાકાબંધીના કારણે મણિપુરવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ઈમ્ફાલમાં એક વિસ્ફોટ થયા બાદ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ટીમ પર હુમલો કરતા પોલીસે કરેલી કાર્યવાહીમાં એક સાત માસના બાળકને ઈજા થઈ છે.

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આ ઘટના ખુંદરકપામ વિધાનસભા મત વિસ્તારમાં બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસને બાતમી મળી હતી કે ખોગેન નામના ઉપનિરિક્ષકે તેમના ઘરમાં જીવંત કારતૂસ રાખી છે. આ માહિતીની ખાતરી કરવા પોલીસ જ્યારે ખોગેનના ઘરે ગઈ હતી ત્યારે ટોળ‍ાંએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. તેથી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડ્યા હતા તેમજ રબરની ગોળીઓ પણ છોડી હતી. જેમાં એક સાત માસના બાળક સહિત કેટલાંક અન્ય લોકોને ઈજા થઈ હતી. બીજી તરફ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ખોગેનની ધરપકડ કરવા પાછળ રાજકીય ષડયંત્ર છે. તેમના ઘરમાંથી કોઈ આપત્તિજનક ચીજ મળી નથી.આ ઉપરાંત ધરપકડ વોરંટ રજૂ કરવામાં નિષ્ફળ રહેલા પોલીસ કમાન્ડોએ કથિત રીતે એ વાતનો ઈન્કાર કર્યો હતો કે કોઈ ધરપકડ વોરંટ જારી થયું નથી.

દરમિયાન પોતાને એક ઉગ્રવાદી સંગઠનના સભ્ય ગણાવતા કેટલાક સભ્યોએ વાંગખેમ વિધાનસભા મતવિસ્તારમાં ઉત્તર ઈસ્ટ ઈન્ડિયા ડેવલપમેન્ટ પાર્ટીના એક કાર્યકર, જોન મૈબામને કથિત રીતે ધમકી આપી હતી કે જો તેઓ આ પાર્ટી માટે કામ કરવાના તેમના આદેશનો ઈન્કાર કરશે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવાં પડશે. આવી પરિસ્થિતિ બાદ પણ પોલીસે દાવો કર્યો છે કે રાજ્યમાં પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. તેમજ રાજયમાં ચૂંટણી પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like