મણિનગરના શોરૂમના માલિકને યુવતીની છેડછાડ, એટ્રોસીટીમાં ચાર વર્ષની કેદ

અમદાવાદ: આજના સમયમાં મજબૂર અને પોતાનાં ઘરની આર્થિક સહાય કરનાર યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને શારીરિક શોષણ કરવાના બનાવો વધવા લાગ્યા છે. સમાજમાં બદનામીથી બચવા માટે અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવે તે માટે ઘણી યુવતીઓએ મૌન સેવી લીધું છે. પરંતુ વર્ષ 2014માં મણિનગરમાં આવેલ લેડીઝ ગારમેન્ટના શો રૂમમાં કામ કરતી એક મધ્યમ વર્ગીય યુવતીએ તેના બોસ વિરુદ્ધ કરેલી એટ્રોસીટી અને શારીરિક છેડછાડની ફરિયાદમાં સેશન્સ કોર્ટે આરોપી માલિકને 4 વર્ષની સજા ફટકારી છે અને યુવતીએ પોતાની ગરીબી તથા મજબૂરીની ચિંતા કર્યા વગર બતાવેલી હિંમતને બિરદાવી છે

ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો મણિનગર રેલવે સ્ટેશન સામે લુક્સ નામની લેડીઝ ગારમેન્ટનો શો રૂમ આવેલો છે તેના માલિક 40 વર્ષિય વિક્રમ શ્યામદાસ લોહિયાએ તારીખ 19-8-14 ના રોજ એક યુવતીને સેલ્સગર્લ તરીકે નોકરીમાં રાખી હતી. યુવતીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેના પરિવારમાં સહાયરૂપ બને તે માટે તેને નોકરી શરૂ કરી હતી. નોકરીના પહેલા જ દિવસે વિક્રમે યુવતી ઉપર પગ મૂકીને શારીરિક અડપલાં કર્યાં હતાં તે સમયે વિક્રમને આવી હરકતો ન કરવાના મુદ્દે તેને ચેતવી દીધો હતો.

બીજા દિવસે એટલેકે 20-8-2014 તારીખના રોજ વિક્રમે ફરીથી તેના આખા શરીર ઉપર હાથ ફેરવીને શારીરિક અડપલાં કર્યાં હતાં તે સમયે પણ યુવતીએ વિક્રમને શારીરિક અડપલાં નહી કરવાના મુદ્દે ચેતવી દીધો હતો. પોતાની મજબૂરીના કારણે યુવતીએ સહન કરી લીધું. જોકે તારીખ 25-8-2014ના રોજ વિક્રમે યુવતીને ફરવા લઇ જવાની લાલચ આપીને યુવતીને અડપલાં કર્યાં હતાં. તે જ દિવસે સાંજે શો રૂમમાં વિક્રમે તેની ઉપર જબરજસ્તી કરવાની કોશિશ કરી હતી.

આ ઘટનાને લઇને યુવતીએ બીજા દિવસે વિક્રમ વિરુદ્ધ શારીરિક અડપલાં તથા એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવી હતી.
સરકારી વકીલ કુલદીપ શર્માએ 5 પુરાવાઓ રજૂ કર્યા હતા. સેશન્સ જ્જ એ.આઇ.શેખે વિક્રમને એટ્રોસીટીમાં 4 વર્ષની સજા તથા અને શારીરિક અડપલાંમાં એક વર્ષની સજા અને યુવતીને વળતર પેટે 10 હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.
ત્યારે જ્જ એ.આઇ.શેખે તેમના ચુકાદામાં ટાંક્યુ છે કે આરોપી મજબૂર અને આર્થિક રીતે પોતાના ઘરને સહાય કરતી યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરાયો છે.

You might also like