મણિનગરમાં બંગલાનું બુકિંગ કરી ફલેટ બનાવ્યાઃ બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં એક વ્યકિતને બંગલો આપવાનું કહીને ફ્લેટનું કામકાજ ચાલુ કરી દેતાં યંગસ્ટર કંસ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ 11.35 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. હાઇકોર્ટના આદેશ બાદ મણિનગર પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

મણિનગરમાં આવેલ માનવ મંદિર બંગલોમાં રહેતા ધર્મેન્દ્રભાઇ કનૈયાલાલ ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યકિત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. વર્ષ 2006માં યંગસ્ટર કંસ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મણિનગર વિસ્તારમાં માનવ મંદિર નામની 58 બંગલોની સ્કીમ લોન્ચ કરી હતી. આ બંગલોની સ્કીમમાં ફરિયાદી ધર્મેન્દ્રભાઇના મોટાભાઇ મિતેશભાઇએ 32 નંબરનો બંગલો 35 લાખ રૂપિયામાં બુક કરાવ્યો હતો. દોઢ વર્ષમાં સ્કીમ પૂરી કરી દેવાનું કહીને મિતેશભાઇએ યંગસ્ટર કંસ્ટ્રકશનના ડાયરેક્ટર, નરેન્દ્રભાઇ દેવરાજભાઇ કાનાણી (રહે જલસરોવર એપાર્ટમેન્ટ, મણિનગર) અને ઘનશ્યામભાઇ મગનભાઇ વડોદરિયા (રહે પ્રયાગ એપાર્ટમેન્ટ, મણિનગર)ને 11 લાખ 35 હજાર રૂપિયા અલગ અલગ સમયે ચૂકવી દીધા હતા.

15 બંગલો પૈકી 3 નંબરનો બંગલો મિતેશભાઇના ભાઇ ધર્મેન્દ્રભાઇએ ખરીદ્યો હતો અને વર્ષ 2008માં તે રહેવા માટે પણ આવી ગયા હતા. 15 બંગલો બન્યા બાદ એકાએક 43 બંગલોની કામગીરી બંધ થઇ ગઇ હતી. 43 બંગલોની જગ્યા પર યંગસ્ટર કન્ટ્રકશન દ્રારા હાઇરાઇઝ બિલ્ડિંગનું કામ ચાલુ કરી દેતાં ધર્મેન્દ્રભાઇએ નરેન્દ્રભાઇને પૂછ્યું હતું. જેમાં નરેન્દ્રભાઇએ બંગલો નહીં બને અને હાઇરાઇઝ બિલ્ડિંગ બનશે અને જેને બંગલો ખરીદ્યા હતા તેમને ફ્લેટ આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જો કે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનિલ પીટીશન ફાઈલ કરી હતી. જેમાં હાઈકોર્ટે ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યો હતો.

You might also like