મણિશંકરના ‘પાકિસ્તાન પ્રેમ’થી રાજકીય ક્ષેત્રમાં ઉગ્ર પ્રત્યાઘાત

કરાચી: કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા નેતા મણિશંકર ઐય્યરે કરાચીના એક કાર્યકમમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગે વાત કરતાં પાકિસ્તાનની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે હું પાકિસ્તાનને ભારત જેટલો જ પ્રેમ કરું છું. તેમનાં આ નિવેદને નવો વિવાદ જગાવ્યો છે.

કારણ એક તરફ સરહદ પર પાક. સતત હુમલા કરી રહ્યું છે ત્યારે મણિશંકરને આ રીતે એકાએક પાકિસ્તાન પર પ્રેમ કેવી રીતે ઊભરાઈ ગયો? તેવા પણ સવાલો થવા લાગ્યા છે. મણિશંકર ઐયરના આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમના ‘પાકિસ્તાન પ્રેમ’ની ચોમેરથી આકરી ટીકાઓ થઈ રહી છે અને રાજકીય ક્ષેત્રે તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે.

કરાચીમાં સાહિત્ય મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યકમમાં ભાગ લેવા ગયેલા મણિશંકર ઐય્યરે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સમાધાન માટે બિન શરતી વાતચીત જ એક ઉપાય છે. તેથી આ રીતે જ ઉકેલ આવી શકે તેમ છે તેવી પણ વણમાગી સલાહ આપી હતી.

આ દરમિયાન તેમણે પાકિસ્તાનની પ્રશંસા કરી જણાવ્યું હતું કે ભારત પાસે સમાધાન માટેની કોઈ નવી નીતિ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનમાં બે મોટા મુદા છે જે વિવાદનું મુખ્ય કારણ છે. જેમાં કાશ્મીર અને ભારત વિરુદ્ધ વધી રહેલો આતંકવાદ મુખ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાને વાતચીત માટે મુશરર્ફની નીતિ પર ચાલવું જોઈએ.

આ અગાઉ પણ મણિશંકર ઐય્યરે ૨૦૧૫માં એક પાકિસ્તાની ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાનકારી માર્ગ અપનાવવો હશે તો વડા પ્રધાન મોદીને હટાવવા પડશે. આમ આ રીતે મણિશંકર ઐય્યરે ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યકત કરી નવો વિવાદ ઊભો કર્યો છે.

દરમિયાન ગજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ મણિશંકર ઐય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટીકા કરી તેમને નીચ કહેવાના મુદે પણ વિવાદ થયો હતો અને આ મુદે કોંગ્રેસે તેમને પક્ષમાંથી બરતરફ કરી દીધા હતા. આ અગાઉ પણ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ચા વાળા કહીને વિવાદ ઊભો કર્યો હતો. અને હવે ફરી આ જ નેતાએ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યકત કરી નવો વિવાદ ઊભો કર્યો છે.

You might also like