મેનિક્વિન ચેલેન્જે લોકોમાં જગાવી ઉત્સુકતા

આપણે નાના હતા ત્યારે સ્ટેચ્યૂ સ્ટેચ્યૂ રમતાં હતા, યાદ છે? અત્યારે પણ નાનાં બાળકો ક્યારેક ક્યારેક આ રમત રમીને આપણા ભૂતકાળની યાદ તાજી કરાવી દેતાં હોય છે, નહીં? હવે આ સ્ટેચ્યૂ સ્પર્ધાએ જગત આખાને મેનિક્વિન ચેલેન્જ તરીકે ઘેલું લગાડ્યું છે.

થોડાં વર્ષો પહેલાં આઇસ બકેટ ચેલેન્જને લઇને દુનિયા આખી હિલોળે ચઢી હતી, એમ હવે લોકો એકબીજાને મેનિક્વિન ચેલેન્જ આપી રહ્યા છે. મેનિક્વિન(પૂતળું) ચેલેન્જમાં વ્યક્તિએ પૂતળું બનીને ઊભા રહેવાનું હોય છે. આ ચેલેન્જ આપનાર વ્યક્તિ સમયમર્યાદા નક્કી કરે છે કે ચેલેન્જ ઉપાડનાર વ્યક્તિએ ક્યાં સુધી મેનિક્વિન બની રહેવાનું છે. અમેરિકામાં શરૂ થયેલી મેનિક્વિન ચેલેન્જ માટે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન થઇ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને તેમને જે સમયમર્યાદા આપી હોય ત્યાં સુધી અથવા જ્યાં સુધી સંગીત વગાડવામાં આવે ત્યાં સુધી પૂતળું બનીને ઊભા રહેવાનું હોય છે. સેલિબ્રિટીઓ પણ આ ચેલેન્જમાંથી બાકાત નથી રહ્યા. થોડા દિવસ પહેલાં જ વ્હાઇટ હાઉસની મુલાકાતે ગયેલી અમેરિકાની શ્રેષ્ઠ બેઝબોલ ટીમ ક્લેવલેન્ડ કેવેલિયર્સ અને મિશેલ ઓબામાએ મેનિક્વિન ચેલેન્જ ઉપાડી હતી. આ ચેલેન્જનો ફોટો વાઇરલ બન્યો હતો. મેનિક્વિન ચેલેન્જના વીડિયો પણ વાઇરલ બની રહ્યા છે અને જેમને હજુ સુધી આ ચેલેન્જની માહિતી નથી તેમને માહિતગાર કરી રહ્યા છે.

You might also like