દેશને મદદ કરવા આગળ આવી રહ્યા છે મોંગોલવાસીઓ

નવી દિલ્હી : દરેક દેશવાસીને પોતાના દેશ માટે અઢળક પ્રેમ હોય છે અને પોતાના દેશની રક્ષા અને હિત કાજે તે આકરામાં આકરાં પગલાંનો હસતાં મોઢે સ્વીકાર કરે છે અને દેશાભિમાન ખાતર ગમે તેવાં આકરાં પગલાં ભરવાની તાકાત પણ રાખે છે. આપણા ભારતના ઇતિહાસમાં ભામાશા શેઠનું નામ ગૌરવ અને આદર સાથે લેવામાં આવે છે. તેમણે મહારાણા પ્રતાપને પોતાની સંપત્તિ દાનમાં આપી દીધી હતી. આ રીતે તો અનેક ભામાશા ભારતમાં થઇ ગયા છે અને થતા રહે છે.

જોકે, આપણે વાત કરવાની છે મોંગોલિયાના ભામાશાઓની. મોંગોલિયાનું અર્થતંત્ર હાલમાં કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેનું ચલણ ટગરિક પણ છેલ્લાં કેટલાંક વર્ષથી પોતાનું મૂલ્ય ગુમાવીને સતત નીચું જઇ રહ્યું છે. ત્યારે પોતાના દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે મોંગોલવાસીઓ પોતાની પાસે રહેલાં ઘરેણાં, નાણાં, સોનું દેશની મદદ માટે દાનમાં આપી રહ્યા છે.

અમુક લોકો તો પોતાની પાસે રહેલા ઘોડા પણ સરકારને સોંપી રહ્યા છે. મોંગોલિયન સરકાર ચીન અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાટાઘાટ કરી રહી છે પણ મોંગોલિયાના લોકોને ડર છે કે જો કોઇ પણ પ્રકારની આર્થિક મદદ ન મળી તો આવનારા દિવસોમાં દેશમાં રહેવું મુશ્કેલ બની જશે અને દેશને દેવાના બોજમાંથી મુક્ત નહીં કરી શકાય. આ જ કારણથી મોંગોલવાસીઓએ યથાશક્તિ મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ કરી પણ રહ્યા છે.

You might also like