વરસાદના એંધાણનાં પગલે કેસર કેરીની આવક વધતાં ભાવ ગગડ્યા

અમદાવાદ: આગામી એક સપ્તાહમાં દક્ષિણ ગુજરાતનાં રાજ્યો સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ તથા તેની આજુબાજુના પંથકમાં વરસાદ પડે તેવા એંધાણ હવામાન ખાતાની એજન્સીઓ દ્વારા વ્યક્ત કરાયાં છે ત્યારે સૌરાષ્ટ્રના તલાલા, રાજકોટ માર્કેટયાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક વચ્ચે સ્થાનિક બજારમાં પણ કેસર કેરીના ભાવ ગગડ્યા છે.

ઉલ્લેખનીય છે કે સિઝનની શરૂઆતમાં મીડિયમ ક્વોલિટીની કેસર કેરીનો ૧૦ કિલો પેટીનો ભાવ રૂ. ૪૦૦થી ૫૦૦ની વચ્ચે જોવા મળતો હતો તે હાલ ઘટીને રૂ. ૨૫૦થી ૩૫૦ની વચ્ચે જોવા મળી રહ્યો છે. સ્થાનિક ફ્રૂટબજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદના અેંધાણ વચ્ચે ભાવ નહીં મળવાની દહેશત વચ્ચે માર્કેટયાર્ડમાં વધતી જતી આવકની અસરે કેસર કેરીના ભાવમાં સિઝનમાં પેટીએ ૧૦૦થી ૧૫૦ રૂપિયા જેટલો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

રમજાનને કારણે ફ્રૂટની માગમાં વધારો
રમજાનના કારણે બજારમાં ફ્રૂટની માગમાં વધારો નોંધાયો છે. સારી ક્વોલિટીની કેસર કેરીની માગમાં વધારો નોંધાતો જોવાયો છે. એ જ પ્રમાણે કેળાં અને ચીકુની માગમાં પણ વધારો થયો છે.

રમજાન માસના કારણે
‘એ’ ક્વોલિટીની કેસર કેરીના ભાવ વધીને પ્રતિકિલોએ રૂ. ૧૦૦થી ૧૨૫ સુધી પહોંચી ગયા છે. એ જ પ્રમાણે કેળાં પણ વધીને ૨૦ રૂપિયાના ૬થી ૮ નંગે વેચાઇ રહ્યાં છે. ચીકુ પણ સ્થાનિક બજારમાં વધીને રૂ. ૬૦થી ૭૦ના ભાવે વેચાઇ રહ્યાં છે. રમજાન મહિનામાં રોજાના કારણે ફ્રૂટનો ઉપયોગ વધતાં માગ વધી છે.

You might also like