શહેરભરમાં કેરીના વેપારીઓ અને ગોડાઉનો પર દરોડા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ હાઇકોર્ટના આદેશ બાદ આજે સવારથી જ હરકતમાં આવીને શહેરભરમાં કેરીના વેપારીઓ, લારીઓ અને ગોડાઉનો પર દરોડા પાડીને કાર્બાઇડથી પકાવેલી કેરીના જથ્થાને જપ્ત કરી રહ્યા છે. વેપારીઓ પાસેથી પેનલ્ટી વસૂલી રહ્યા છે તેમજ અખાદ્ય કેરીનો મોટો જથ્થો નાશ કરી રહ્યા હોઇ લેભાગુ અને નફાખોર વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

તાજેતરમાં અમદાવાદ કોર્પોરેશન સહિત રાજ્યભરના કોર્પોરેશનના સત્તાવાળાઓને કેલ્શિયમ કાર્બાઇડ જેવા ઝેરી કેમિકલથી કેરી પકવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે આજે નરોડા ફ્રૂટ માર્કેટ, આંબાવાડી, થલતેજ, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, લાંભા, વટવા સહિતના વિસ્તારોમાં કોર્પોરેશને સવારથી સપાટો બોલાવી દીધો હતો.

હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકી કહે છે, “આ માટે પ૦ ટીમ બનાવાઇ હોઇ શહેરભરમાં કાર્યવાહી હાથ ધરાઇ છે. નિયમાનુસાર ઇથિલિન ચેમ્બર્સથી કેરી પકાવી શકાય છે, પરંતુ સફેદ પાઉડર ઇથિલિન રાઇટનરના ઉપયોગ પર પ્રતિબંધ છે. જોકે આજે મોટા પ્રમાણમાં ઇથિલિન રાઇટનરની પડીકીઓ મળી રહી છે. મધ્ય ઝોનમાં સવારના ૧૦-૩૦ વાગ્યા સુધીમાં ૩પ,૦૦૦ પેનલ્ટી વસૂલાઇને ૧૦૦ કિલો કેરીનો નાશ કરાયો છે. તેમજ રપથી ૩૦ વેપારીને નોટિસ ફટકારાઇ છે.”

જ્યારે ઉત્તર ઝોનના હેલ્થ ઓફિસર કહે છે, “નરોડા ફ્રૂટ માર્કેટ સૈજપુર ટાવર સહિત તમામ વોર્ડમાં દરોડાની કામગીરી ચાલી રહી છે.”

નવા પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મિલન નાયક કહે છે, “બોડકદેવ, થલતેજ, જોધપુર, ઘાટલોડિયા, સરખેજ વગેરે વોર્ડમાં તંત્રે સપાટો બોલાવી દીધો છે.” દ‌િક્ષણ ઝોનના હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહ કહે છે, “બહેરામપુરાના અનમોલ ફ્રૂટ ગોડાઉનમાંથી ઇથિલિન રાઇટનરની પડીકીઓ ધરાવતા કેરીનાં કન્ટેનર મળી આવ્યાં છે. અત્યાર સુધીમાં ર૦,૦૦૦ સુધીની પેનલ્ટી વસૂલાઇ છે.” જ્યારે પૂર્વ ઝોનના હેલ્થ ઓફિસર ડો.દક્ષાબહેન મૈત્રક કહે છે કે, “સાંજે ૪-૦૦ વાગ્યાથી અમારા ઝોનમાં દરોડાની કામગીરી હાથ ધરાશે.”

You might also like