બજારમાં ખાકડી કેરીનું આગમન, ભાવ 250 રૂ. કિલો પહોંચ્યા

અમદાવાદ, શુક્રવાર
ફળોની રાણી ગણાતી અને સ્વાદ શોખીનોની દાઢે વળગી જતી કેરીનું આગમન માર્ચ મહિનામાં શરૂ થઇ જશે, જોકે સ્વાદરસિયાઓએ દ‌િક્ષણ ગુજરાતની આફૂસ કે ગીરની કેસર ખાવા માટે બે મહિના રાહ જોવી પડશે, કારણ કે વાતાવરણની વિપરીત અસરના કારણે ગુજરાતમાં કેરીની સિઝન મોડી ચાલી રહી છે, જોકે રત્નાગીરી એક મહિનામાં બજારમાં આવે તેવી શક્યતા છે. ગુજરાતનાં બજાર આગામી માસથી કેરીથી છલકાશે, પરંતુ એ કેરી દ‌િક્ષણ ભારતથી આવશે, જોકે હાલમાં બજારમાં ગુજરાતની ખાકડીનું આગમન થઇ ગયું છે. શરૂઆતના તબક્કે મોંઘી વેચાતી ખાકડીનો ભાવ અત્યારે રૂ.૧૮૦થી રપ૦ સુધી પ્રતિકિલો છે.

મહારાષ્ટ્રથી દ‌િક્ષણ ભારતના પટ્ટામાં ચોમાસાનું આગમન વહેલું થાય છે અને ચોમાસું વહેલું પૂરું થવાના કારણે કેરીનું આગમન પણ તે પ્રમાણે થાય છે. આંબામાં મોર આવવાનું, ફળનું બંધારણ અને કાપણી સુધીનો વિકાસ ગુજરાત કરતાં મહારાષ્ટ્ર અને દ‌િક્ષણ ભારતમાં વહેલો થતો હોઇ રત્નાગીરી સહિતની કેરીનું આગમન ગુજરાતમાં માર્ચથી શરૂ થઇ જાય છે, જોકે આ કેરીઓ પણ ગુજરાતમાં એટલી જ ખવાય છે.

ખાકડી તરીકે ઓળખાતી કાચી કેરી ગુજરાતી ભોજનમાં સંભારા તરીકે પ્રચલિત છે. હાલમાં સ્થાનિક બજારમાં ખાકડીની આવક શરૂ થઇ ચૂકી છે. સામાન્ય રીતે એપ્રિલથી ગીરની કેસરની આવક પણ શરૂ થઇ જાય છે. હાલમાં વારંવાર પલટાઇ રહેલા વાતાવરણના કારણે કેરીના પાક પર વાતાવરણની માઠી અસર પડશે, જેના કારણે ગીરની કેસર અને વલસાડી આફૂસ પર તેની વધુ અસર થશે. કુદરતી રીતે પાકેલી સાંખ બજારમાં આવતાં આ વખતે એપ્રિલના બદલે મે મહિનો આવી જશે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત સંશોધન કેન્દ્રના ડો.આર.આર. વીરડિયાએ કહ્યું હતું કે આ વર્ષે હાલમાં આંબા પર હજુ ફલાવરિંગ થયું છે, જે એક ‌મહિનો મોડું છે. આંબા પર વટાળા અને મગીયા જેવડાં ફળ બેઠાં છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં કેસર અને આફૂસ એમ બે જાતની કેરીનુું વેચાણ સૌથી વધારે થાય છે અને ખવાય પણ છે. સૌરાષ્ટ્રમાં પાકતી કેસર અને દ‌િક્ષણ ગુજરાતમાં પાકતી આફૂસ સૌથી વધુ લોકપ્રિય છે.

વાતાવરણના મામલે કેરીનો પાક અતિસંવેદનશીલ રહે છે. આફૂસ કેરીમાં પણ સામાન્ય રીતે ફ્લાવરિંગ જાન્યુઆરીમાં થઇ જતું હોય છે, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં થઇ રહ્યું છે. અચાનક વરસાદ, ઠંડી-ગરમીના કારણે કેરીનું બંધારણ યોગ્ય રીતે ન થયું હોઇ પાંદડાં ખરી જવાં કે ભૂકી છારા રોગના કારણે આફૂસની સિઝન માંડ એક માસ ચાલશે, કારણ કે જુલાઇમાં ત્યાર બાદ ચોમાસું બેસી જશે.

ગીરમાં આ વખતે કેસરની સાથે-સાથે અન્ય કેરીની જાત પણ તૈયાર થઇ રહી છે, જેમાં ગાજરિયો, દૂધ પંેડો, પાયરી, લંગડો, આમીરપસંદ, સરદાર, આફૂસ અને રાજાપુરીનો સમાવેશ થાય છે. ભારતના પૂર્વ વડા પ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુ રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે ભેટમાં ગીરની કેસર લઇને ગયા હતા.

You might also like