માનેસર ગોટાળો : ED હુડ્ડા પર PMLA હેઠળ કેસ દાખલ કર્યો

ચંડીગઢ : 1500 કરોડ રૂપિયાનાં માનેસર પ્લોટ ફાળવણી મુદ્દે ઇડી દ્વારા હરિયાણાનાં પુર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ PMLA એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇની એફઆઇઆરનાં આધારે ઇડીએ હુડ્ડા અને અન્ય લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ગત્ત અઠવાડીયે જ સીબીઆઇએ આ મુદ્દે હુડ્ડા અને તેનાં સહયોગીઓનાં 20 જેટલા સ્થલો પર દરોડા પાડ્યા હતા. હુડ્ડાનાં રોહતક, દિલ્હી, માનેસર અને ચંડીગઢ ખાતેનાં ઠેકાણાઓ પર સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇની ટીમોએ માનેસર પ્લોટ ફાળવણી કેસમાં હુડ્ડાનાં નજીકનાં ગણાતા અધિકારીઓની ઓફીસ પર પણ દરોડા પાડ્યા હતા.

સીબીઆઇએ હુડ્ડાનાં ઘર સહિત બે પુર્વ આઇએએસ અધિકારીઓ તત્કાલીન મુખ્ય સચિવ એમએલ તયાલ અને યુપીએસએસીનાં સભ્ય છત્તરસિંહ ઉપરાંત હાલનાં આઇએએસ અધિકારી એસ એસ ઢિલ્લોનનાં પરિસર ખાતે પણ દરોડા પાડ્યા હતા અને એફઆઇઆર દાખલ કરી હતી. ઇડીએ તેને બેઝ બનાવીને પીએમએલએ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર,2015માં સીબીઆઇએ હુડ્ડાની વિરુદ્ધ માનેસર પ્લોટ ફાળવણી અને જમીન મુદ્દે ગોટાળાનો કેસ દાખલ કર્યો હતો. હુડ્ડા સરકારનાં સમયે માનેસરમાં ત્રણ ગામોની લગભગ 400 એકર જમીન અધિગ્રહિત કરીને બિલ્ડરોને વેચી દેવાઇ હતી. ત્યાર બાદ અધિગ્રહણમાં પણ ગોટાળા થયા હોવાનું બહાર આવ્યું હતું. જેનાં કારણે સપ્ટેમ્બર 2015માં અજાણ્યા અધિકારીઓ અને લોકોની વિરુદ્ધ કેસ દાખલ થયા હતા.

You might also like