માંડલ-બેચરાજી સર તેમજ આસપાસના વિસ્તારોમાં ડેવલપમેન્ટ હવે ગતિ પકડશે

ગાંધીનગર: માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ (સર) ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અજય ભાદૂએ અમદાવાદ, મહેસાણા અને સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારીઓને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (એમબીસર) અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે તા. ૧૦-૫-૨૦૧૭ના રોજ પત્ર લખ્યો છે. અજય ભાદુના ડીડીઅોને લખવામાં અાવેલા પત્રના પગલે હવે અા સમગ્ર વિસ્તારમાં વિકાસને વેગ મળશે.

આ પત્રમાં જણાવાયું છે કે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઈસી) હેઠળ ગુજરાત રાજ્ય આવે છે કે જેનો ‘ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ હબ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મોડલ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર તરીકે વિકાસ કરવાનો છે. આ માટે ઉક્ત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી)ની બંને બાજુના ૧૫૦ કિ.મીના વિસ્તારોનો સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (સર) તરીકે યોજનાબદ્ધ રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી જમીનના માલિકોને વિવિધ સુવિધાઓ મળી રહે તેમજ કાર્યક્ષમ સિસ્ટમ પૂરી પાડીને બિઝનેસ માટે માર્ગ મોકળો બને. સરકાર આવા વિસ્તારોમાં સ્થિર માહોલ પૂરો પાડીને બિઝનેસમેનને રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.

અજય ભાદૂએ પત્રમાં જણાવ્યું છે કે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ માંડલ-બેચરાજી સર (એમબીસર)ની જાહેરાત કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે ૧૫ માર્ચ, ૨૦૧૬ના રોજ એમબીસર માટેના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનને પણ મંજૂરી આપી હતી. ડેવલપમેન્ટ પ્લાનનો અમલ કરવા માટે એમબીસર ડીએ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૧થી ૫ તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે જમીનના માલિકોને વાકેફ કરવા એમબીસર ડીએ દ્વારા તા. ૧૩થી ૧૫ એપ્રિલ, ૨૦૧૭ દરમિયાન માલિકોની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે એમબીસર આસપાસના વિસ્તારમાંથી જમીનના જે માલિકોએ એમબીસરની જાહેરાત સામે વિરોધ કર્યો હતો અને તેઓ પોતાની જમીન પર અને ઔદ્યોગિકીકરણ ઈચ્છતા નથી એવી એફિડેવિટ સુપરત કરી હતી. તેઓ હવે ઔદ્યોગિકીકરણ તરફ આગળ વધી રહ્યા છે. આ આયોજનના પરિપ્રેક્ષ્યમાં જ માત્ર ઈચ્છનીય છે એવું નથી, પરંતુ ‘સર’ની બહારના રોકાણકારો માટે પણ આકર્ષપરૂપ છે.

અજય ભાદૂએ ઉપરોક્ત પત્ર દ્વારા આયોજન અને જાહેર હિતના સંદર્ભમાં જણાવેલ છે કે એમબીસરે તેના તા. ૧-૯-૨૦૧૬ના પત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ)ના કાર્યાલયને પત્ર લખીને આયોજન અને જાહેર હિત માટે એમબીસર આસપાસના વિસ્તારોમાં વિકાસને સાંકળવા માટે બિનકૃષિ (એનએ) મંજૂરી આપતી વખતે આસપાસના વિસ્તારો માટે તૈયાર કરાયેલ બ્રોડ લેઆઉટ નેટવર્ક પર વિચારણા કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત પત્રમાં જણાવાયું છે કે એમબીસર આસપાસના વિસ્તારોમાં બિનકૃષિ (એનએ) મંજૂરી આપતી વખતે એમબીસરના મંજૂર થયેલા ડેવલપમેન્ટ પ્લાન (લેન્ડ યુઝ પ્લાન્ટ અને જીડીસીઆર) પર વિચારણા કરવા માટે ડીડીઓના કાર્યાલયને વિનંતી કરવામાં આ‍વી હતી. ‘સર’ની આસપાસ આડેધડ વિકાસ ગુજરાતમાં આયોજિત વિશ્વ કક્ષાના માળખા સાથે ઔદ્યોગિક પ્રદેશ વિકસાવવાના ગુજરાત સરકારના વિઝનથી વિમુખ હશે.

આ સંદર્ભમાં અજય ભાદૂએ પત્ર લખીને આયોજનના દૃષ્ટિકોણથી તેમજ વિશાળ જાહેર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ બાબત પર વિચારણા કરવાની જરૂર છે એવું જણાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ડીડીઓ દ્વારા આડેધડ વિકાસને નિયંત્રિતકરવા એમબીસર આસપાસના વિસ્તારને બિનકૃષિ મંજૂરી આપતી વખતે એમબીસરના બ્રોડ લેઆઉટ નેટવર્ક અને મંજૂર થયેલ ડેવલપમેન્ટ પ્લાન (લેન્ડ યુઝ પ્લાન અને જીડીસીઆર) માટે વિચારણા કરવામાં આવશે ‍એવી આશા આ પત્રમાં વ્યક્ત કરીને ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like