માંચેસ્ટરમાં અાતંકવાદી હુમલાના પગલે રમતગમત જગતમાં ખળભળાટ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના માંચેસ્ટર સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ એરીનામાં એક પોપ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન થયેલ આતંકી હુમલો અને બોમ્બ બ્લાસ્ટે ક્રિકેટ જગતની ઊંઘ હરામ કરી નાખી છે. આ હુમલો એક એવા શહેરમાં થયો છે, જે ઇંગ્લેન્ડની રમતગમત વિરાસતના એક ભાગરૂપ છે. આતંકી હુમલા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જણાવ્યું છે કે તે હવે ઇંગ્લેન્ડમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ રમાનાર મહિલા વર્લ્ડકપની સુરક્ષાને લઇ ગંભીર અને સતર્ક છે.

ભારતીય ટીમની સુરક્ષા બાબતે બીસીસીઆઇએ આઇસીસી સમક્ષ ચિંતા વ્યકત કરી હોવાનું બોર્ડના એક્ઝિક્યુટિવ સેક્રેટરી અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત ૧ જૂનથી થનાર છે અને તે ૧૮ જૂન સુધી ચાલશે. ત્યારબાદ ર૪ જૂનથી મહિલા વર્લ્ડકપની શરૂઆત થનાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી ઓવલ, એજબેસ્ટન અને કાર્ડિકમાં રમાશે, જ્યારે મહિલા વર્લ્ડકપની મેચો ડર્બી, લિસ્ટર, બ્રિસ્ટોલ અને ટોનટનમાં રમાનાર છે.

આઇસીસીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમારી સંવેદના માંચેસ્ટર હુમલાના પીડિતોની સાથે છે. અમને આશા છે કે આઇસીસી અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા વર્લ્ડકપમાં ખેલાડીઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે અને આ જ અમારી પ્રાથમિકતા છે.

દરમિયાન અમિતાભ ચૌધરીએ જણાવ્યું છે કે અમે‌ ભારતીય ટીમની ટ્રાવેલ, રહેવાનાં સ્થળો અને જ્યાં મેચો રમાવાની છે તે સ્થળો પર સુરક્ષાની વ્યવસ્થા બાબતે ચિંતા વ્યકત કરતો મેસેજ મોકલ્યો હતો અને આઇસીસીએ બે કલાકમાં જ તેનો જવાબ આપીને જણાવ્યું હતું કે બ્રિટનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા વર્લ્ડકપ દરમિયાન સજ્જડ સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે.

માંચેસ્ટરમાં કે જ્યાં ગઇ કાલે રાત્રેે બ્લાસ્ટ થયો હતો તે એરીના ઇન્ડોર સ્ટેડિયમથી માત્ર ૧પ-ર૦ મિનિટ દૂરના અંતરે જ ઓલ્ડટ્રેફર્ડનું ઐતિહાસિક ફૂટબોલ સ્ટેડિયમ છે. આજે રાત્રે ‌િસ્વડનના સ્ટોકહોમમાં માંચેસ્ટરની માનીતી ટીમ માંચેસ્ટર યુનાઇટેડની એજેકસ ફૂટબોલ કલબ સામે યુરોપા લીગનો ફાઇનલ મુકાબલો છે. આ ફાઇનલમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહેનાર હોઇ તંત્ર ચિંતામાં છે અને કડક સુરક્ષાવ્યવસ્થા જાપતો ગોઠવી દેવાયો છે.
http://sambhaavnews.com/

You might also like