હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ ભૂસ્ખલન થતા મનાલી-લેહ હાઈવે બંધઃ ટ્રાફિક જામ

સિમલા: હિમાચલ પ્રદેશમાં ગઈ કાલે મોન્સૂનના આગમન સાથે ભારે વરસાદ થતાં રાજ્યના અનેક વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતાં અને નદીઓ તેમજ નાળાં ઉભરાઈ જતાં બ્યાસ સહિત અન્ય કેટલીક નદીઓમાં પૂર આવતાં જનજીવન ઠપ થઈ ગયું હતું.

દરમિયાન રાજ્યમાં ટંબા-તીસા માર્ગ પર રાઠ ધાર પાસે ભૂસ્ખલન થતાં ૨૦૦ મીટર રોડ ધોવાઈ જતાં મનાલી- લેહ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવતાં આ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

દરમિયાન ઉત્તરાખંડમાં પણ હિંડોલા ખીણ નજીક વરસાદથી રોડ બેસી જતાં અહીં પણ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતાં અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રોજીંદા વ્યવહાર પર તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી.

દરમિયાન હિમાચલના કાંગડા જિલ્લામાં રોડ ધસી પડતાં ડાડાસીબા-સંસારપુર ટેરેસ માર્ગ પરના બંધોલ ગામ નજીક એક ખાનગી બસ રોડ પરથી ખાબકી ઝાડ સાથે અથડાઈ હતી. જોકે બસ ત્યાં જ અટકી જતાં બસમાં બેઠેલા ૨૫ મુસાફરનો બચાવ થયો છે. આ તમામને પ્રાથમિક સારવાર માટે ચંબા મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે.ઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાકમાં હજુ સતત વરસાદ થાય તેવી સંભાવના છે.

બીજી તરફ હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, હિમાચલ, મધ્યપ્રદેશ, છતીસગઢ અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં તથા જમ્મુ-કાશ્મીરમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલગાંણા, અરુણાચલ, આસામ, મેઘાલય, હિમાલયન, પ્રશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, ઝારખંડ અને કેરાલાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.

જયારે ઉત્તરાખંડ, કોંકણ, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં અતિભારે જયારે હિમાચલ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને કર્ણાટકના તટિય વિસ્તારો તથા જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા દર્શાવી છે.

આ ઉપરાંત આવતી કાલે શનિવારે ઉત્તરાખંડ, અરુણાચલ, આસામ, મેઘાલય, હિમાલયની પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે જયારે બિહાર, યુપી, કર્ણાટકના અંદરના વિસ્તારોમાં અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હીમાં મોન્સૂનનું એક દિવસ વહેલું આગમન
રાજધાની દિલ્હીમાં આ વખતે અપેક્ષા કરતાં એક દિવસ વહેલું ચોમાસું બેઠું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ ચોમાસું એક દિવસ પહેલાં ગુરુવારે આવી પહોંચ્યું હતું. આગામી બેથી ત્રણ દિવસમાં તે સમગ્ર ઉત્તર ભારતને આવરી લેશે.

પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ નોંધાયો છે. આ સાથે જ મુંબઈમાં વધુ એક વખત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.  દરમિયાન ગઈકાલે હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. દિલ્હીમાં આજથી ચોમાસું શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ચોમાસું અંતિમ દિવસોમાં ૧૫મી જુલાઈની આસપાસ પહોંચતું હોય છે.

આ સાથે જ દક્ષિણ પૂર્વ ચોમાસું ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારો, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પહોંચ્યું છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે, તેમ હવામાન વિભાગે કહ્યું છે.

You might also like