પુરુષોમાં મોં-ગળાંનું, સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધુ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે સાત લાખ જેટલા લોકો કેન્સરના કારણે મોતને ભેટે છે. જ્યારે દસ લાખ નવા કેસો નોંધાય છે. જેમાં પુરુષોમાં સૌથી વધુ મોં,ગળા અને ફેફસાંનાં કેન્સર જ્યારે સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. ગુજરાતમાં દર વર્ષે કેન્સરના ૪૫,૦૦૦ કેસ નોંધાય છે. જેમાંથી ૧૬,૦૦૦ કેસ મોંના કેન્સરના હોય છે. આવા કેસના દસમાંથી નવ દર્દીઓ તમાકુ અને ગુટખાના વ્યસની હોય છે. તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વભરમાં ૬૦ લાખ લોકો મોતને ભેટે છે. જેમાંથી ૬ લાખ એવા લોકો હોય છે જે તમાકુ કે સિગારેટના બંધાણી હોતા નથી, પરંતુ વ્યસનીઓના સહવાસ અને ધુમાડાથી મૃત્યુ પામે છે. ડાયાબિટીસના દર્દીઓ કરતાં તમાકુનું સેવન કરતાં લોકોના મોતનો આંકડો ૧૮ ગણો વધારે છે.

ભારતમાં કેન્સરની સ્થિતિ અંગે જણાવતાં અમદાવાદની અપોલો હોસ્પિટલના કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ. ભરત પરીખ કહે છે કે, “ભારતમાં પુરુષોમાં ગુટખા,તમાકુ અને ધૂમ્રપાનના સેવનનું પ્રમાણ ઊંચું હોવાથી તેમને મોટાભાગે મોં, ગળા અને ફેફસાંનું કેન્સર થાય છે. જ્યારે સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સર મુખ્ય છે. એમાં પણ શહેરી સ્ત્રીઓમાં સ્તન કેન્સર જ્યારે ગ્રામિણ સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર વધુ જોવા મળે છે. જેની પાછળનું કારણ શહેરોમાં સ્ત્રીઓની બદલાયેલી લાઈફસ્ટાઈલ, મેદસ્વિતા, બેઠાડુ જીવન, કસરતનો અભાવ છે. જેના કારણે સ્તન કેન્સરનું જોખમ ઊભું થાય છે. સામે ગ્રામ્ય સ્ત્રીઓમાં પ્રાઈવેટ પાર્ટની અનિયમિત સફાઈ અને એકથી વધુ વખત થતી પ્રેગ્નન્સીના કારણે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે.”

ભારતીય પુરુષોમાં અલગઅલગ રીતે તમાકુના વ્યસનનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેના કારણે તેઓ કેન્સરની જીવલેણ બીમારીનો સૌથી વધુ ભોગ બની રહ્યાં છે. પુરુષોમાં થતા કેન્સરના ૫૦ ટકા કેસમાં તમાકુનું સેવન જવાબદાર હોય છે. તમાકુનું સેવન કરતાં પુરુષોને કોઈ પણ ઉંમરે કેન્સર થઈ શકે છે પણ ૪૦થી ૬૦ વર્ષ સુધીનો સમયગાળો સંવેદનશીલ ગણાય છે. કેન્સરના વિવિધ ચાર પ્રકાર હોય છે. દર્દીના બચવાનો આધાર કયા સ્ટેજ પર નિદાન થાય છે તેના પર રહેલો હોય છે.

ઉપાય શું ?
અપોલો હોસ્પિટલના કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ.ભરત પરીખ કહે છે કે,”પુરુષોને થતા કેન્સરને નિવારવા માટે સૌ પ્રથમ તો ગુટખા, તમાકુ અને ધૂમ્રપાનનું વ્યસન ત્યજવું ફરજિયાત છે. નાનાં છોકરાં કુમળી વયથી જ ગુટખા કે માવો ખાતાં થઈ જાય છે તેમને વડીલોએ રોકવા જોઈએ. આપણે ત્યાં હવે લાઈફસ્ટાઈલ સ્પર્ધાત્મક થઈ ગઈ છે. શહેરોમાં પ્રદૂષણ વધ્યું છે. કામનું ભારણ વધતા પુરુષોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે, જેથી તેઓ વ્યસન તરફ વળે છે.

આવી સ્થિતિમાં કસરત અને યોગ ફાયદાકારક રહે છે. શહેરી સ્ત્રીઓએ પોતાની લાઈફસ્ટાઈલ સુધારવી પડશે. ખાસ કરીને સ્તન કેન્સરથી બચવા માટે નિયમિત કસરત કરવી, વજન નિયંત્રિત કરવું જોઈએ. જંકફૂડ કે સોફ્ટ ડ્રિંક્સના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. સ્ત્રીઓએ નિયમિત ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ. એક જ ઘરમાં પુરુષ કે સ્ત્રીઓમાં કેન્સરના એકથી વધુ કેસ હોય તો વહેલી તકે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

નિષ્ણાતો માને છે કે ભારતમાં હજુ ખાસ કરીને સ્ત્રીઓમાં સ્તન કેન્સર અંગે પશ્ચિમના દેશોની સરખામણીએ જાગૃતિ બહુ ઓછી છે. ભારતીય સ્ત્રીઓ હજુ શરમના કારણે સ્તન કેન્સર વિશે વાત કરવાનું ટાળે છે. કેટલીક સ્ત્રીઓ સ્તનની ગાંઠને સામાન્ય માનીને અવગણે છે. પરિણામે પશ્ચિમી દેશોની સરખામણીએ આપણે ત્યાં સ્તન કેન્સરની સારી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય પરિણામ મળતું નથી.

જો યોગ્ય સમયે નિદાન અને સારવાર થાય અને લોકજાગૃતિ વધે તો ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. બીજી તરફ પુરુષો ‘તમાકુના સેવનથી કેન્સર થાય છે’ એ વાત જાણતા હોવા છતાં તેને ગણકારતા નથી. પરિણામે આજે ભારતમાં કેન્સરના કારણે થતાં મોતમાં સૌથી વધુ ગુટખા અને ધૂમ્રપાનના કેસ હોય છે.

નરેશ મકવાણા

You might also like