અમેરિકામાં ભારતીય એન્જિનિયરના હત્યારાને ૭૮ વર્ષની જેલની સજા

કંસાસ (અમેરિકા): અમેરિકન કોર્ટે ભારતીય સોફ્ટવેર એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (ઉં.વ. ૩૨)ની હત્યાના આરોપી એવા પૂર્વ અમેરિકન નેવી ઓફિસર એડમ પુરિન્ટનને (ઉં.વ. ૫૨) આજીવન કેદની સજા ફટકારી છે. પુરિન્ટનને ૭૮ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને તે ૧૦૦ વર્ષનો થશે ત્યાં સુધી તેને પેરોલ પણ નહીં મળે. આ અગાઉ અમેરિકન કોર્ટે માર્ચમાં પુરિન્ટનને દોષિત માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ સાલ ૨૨ ફેબ્રુઆરીના રોજ ઓલાથેના ઓસ્ટિન બાર એન્ડ ગ્રીલ બારમાં નજીવા વિવાદ બાદ એડમ પુરિન્ટનને શ્રીનિવાસ પર ફાયરિંગ કર્યું હતું. પાછળથી શ્રીનિવાસનું મોત થયું હતું અને તેનો મિત્ર આલોક મદસાની ઘાયલ થયો હતો. અમેરિન કોર્ટે પુરિન્ટનને શ્રીનિવાસના ફર્સ્ટ ડિગ્રી મર્ડર માટે દોષિત માન્યો છે.

શ્રીનિવાસની પત્ની સુનયના દુમાલાએ કોર્ટના ચુકાદા પર ખુશી જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે આ ચુકાદાથી મારા પતિ પરત તો નહીં આવે, પરંતુ તેના દ્વારા એ સંદેશ જરૂર જશે કે નફરતને કોઈ પણ રીતે સ્વીકારવામાં આવશે નહીં. હું ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ અને ઓલાથે પોલીસને ધન્યવાદ આપું છું. તેમના પ્રયાસોથી મને ન્યાય મળ્યો છે.

આ ઘટનાના એક સાક્ષીએ જણાવ્યું હતું કે પુરિન્ટન બંને ભારતીય પર વંશીય કોમેન્ટ કરતો હતો અને સાથે એવું પણ જણાવ્યું હતું કે તેમને અમેરિકા સાથે કોઈ નિસ્બત નથી. જ્યારે મદસાનીએ જણાવ્યું હતું કે હું મેનેજર પાસે ગયો હતો અને આ વાતની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આરોપીને બારમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે થોડીવાર બાદ જ્યારે પુરિન્ટન બહારથી બારમાં પરત આવ્યો હતો અને બંને ભારતીય પર ફાયરિંગ કર્યંુ હતું. ૨૪ વર્ષના ઈયાન ગ્રીલ્ટ નામના શખસે બંને ભારતીયોને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તે સ્વયં પણ ઘાયલ થઈ ગયો હતો. શ્રીનિવાસને આલોક મદશાની ઓલાથેમાં જીપીએસ બનાવનારી કંપની ગાર્મિનની એવિએશન વિંગમાં કામ કરતા હતા.

You might also like