લો, જેને કચરો સમજી ફેંક્યો તે તો રૂપિયા 12 લાખ નીકળ્યા!

બેઈજિંગ, શુક્રવાર
ચીનમાં એક નવાઈ પમાડે તેવી ઘટનામાં એક વ્યક્તિએ ભૂલથી ૧૨ લાખ રોકડા ભરેલી બેગ કચરાપેટીમાં નાખી દીધી હતી, જોકે બાદમાં આ એક મહિલાએ આ વ્યક્તિને બેગ પરત આપી દેતાં તે વ્યક્તિએ ખુશ થઈને મહિલાને ૨૦ હજારનું ઈનામ આપ્યું હતું.

ચીનના એક શહેરમાં રહેતી ‍વ્યક્તિ તેના ઘેરથી બે બેગ લઈને નીકળી હતી, જેમાં એકમાં કચરો હતો અને બીજી બેગમાં રોકડા ૧૨ લાખ હતા, જે તેને બેન્કમાં જમા કરાવવાના હતા, પરંતુ તેણે કચરાપેટીમાં ભૂલથી ૧૨ લાખ ભરેલી બેગ નાખી દીધી હતી.

તે જ્યારે બેન્કમાં ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે રૂપિયા ભરેલી બેગ તો કચરાપેટીમાં ફેંકી દીધી છે. તેથી તે દોડતો ફરી કચરાપેટીમાં તપાસ કરવા ગયો હતો પણ બેગ મળી ન હતી. ત્યારબાદ તેણે પોતાની બેગ ખોવાયાની ફરિયાદ આપી હતી. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતાં તેમાં એક વ્યક્તિ બેગ લઈ જતી જોવા મળી હતી પણ ફૂટેજ ખરાબ હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી.

ત્યારબાદ પોલીસે આ અંગે આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં એક મહિલાએ પોલીસને આ વ્યક્તિની રૂપિયા ભરેલી બેગ પરત આપી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે હું રૂપિયાથી ભરેલી બેગ જોઈને પરેશાન થઈ ગઈ હતી અને તેના કારણે રાતભર સૂઈ પણ શકી ન હતી, પરંતુ આ બેગ અંગે પોલીસે તપાસ શરૂ કરી હોવાની જાણ થતાં હું આ બેગ પરત આપવા આવી છું.

બાદમાં આ વ્યક્તિએ તેની રૂપિયા ભરેલી બેગ પરત મળતાં ખુશ થઈ તે મહિલાને ૨૦ હજારનું ઈનામ આપ્યું હતું. આ રીતે આખરે ચીનની આ વ્યક્તિને તેની ગુમ થયેલી રૂપિયા ભરેલી બેગ પરત મળી હતી.

You might also like