ચોરે 80 લાખની કરી ચોરી: ભિખારીઓને આપી બે-બે હજારની નોટ

મુંબઈ: મુંબઈમાં એક કુરિયર કંપનીમાં કામ કરનારી એક વ્યક્તિએ તેના જ માલિકના ઘરેથી અંદાજે ૮૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ચોરીના રૂપિયાથી તે યુપીના વૃંદાવન ગયો હતો અને ત્યાં જઈ તેણે અઢળક દાન-પુણ્ય કર્યું હતું.

આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ વૃંદાવનમાં ભંડારો કરવાની સાથે જ ગરીબ અને ભિખારીઓને બે-બે હજાર રૂપિયાની નોટ પણ આપી હતી.

મુંબઈ પોલીસે વૃંદાવન પોલીસ સાથે મળીને આ ચોરની ધરપકડ કરી છે. કોતવાલીના ઈન્સ્પેકટર સુબોધકુમારે જણાવ્યું કે મુંબઈની કુરિયર કંપનીના માલિક મિતુલ પટેલના ઘરે ગત ૭ એપ્રિલના રોજ ૮૦ લાખ રૂપિયાની ચોરી થઈ હતી, જેમાં તેના કર્મચારી રમેશભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી રમેશ ગુજરાતના રાધનપુર તાલુકાના ભિલોટ ગામનો રહેવાસી છે. તેની ચૈતન્યવિહારના એક મકાનમાંથી ધરપકડ થઈ હતી. પોલીસે જણાવ્યું કે વૃંદાવનમાં ભંડારો કરાવવાનું કહીને રમેશે એક રૂમ ભાડે લીધો હતો.

મુંબઈ અને કોલકાતા ફર્યા પછી ૧૫ દિવસ પહેલાં જ તે કોલકાતા આવ્યો હતો. આ દરમિયાન રમેશે વૃંદાવનમાં ભંડારામાં સાતથી આઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સાથે જ તેણે ભિખારીઓને બે-બે હજાર રૂપિયાની નોટ પણ આપી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી દસ લાખ ૬૮ હજાર રૂપિયા, પાંચ મોબાઈલ અને ૧૧૮ ગ્રામ સોનાનાં આભૂષણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

You might also like