માનવીએ હંમેશાં અંતરાત્માના અવાજને જ અનુસરવો જોઈએ

ઘણી વાર જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ બાબતો વચ્ચે પણ નિર્ણય લેવાનું થતું હોય છે. આ સ્થિતિમાં ઘણીવાર આપણને કામચલાઉ ફાયદા માટે નેગેટિવ નિર્ણય લેવાનું પ્રલોભન થઈ જાય છે, પરંતુ હંમેશાં આવી અસમંજસની સ્થિતિમાં વ્યક્તિએ પોતાના અંતરાત્માને ઢંઢોળવો જોઈએ અને કામચલાઉ ફાયદાને જતો કરીને દૂરોગામી લાભને ધ્યાનમાં રાખીને આપણા અંતરાત્માના અવાજને અનુસરવો જોઈએ. જો આપણે પોતાના અંતરાત્માના અવાજને માર્ગદર્શક બનાવવા માગતા હોઈએ તો પહેલી શરત એ છે કે તમારે સ્થિર અને શાંત બની જવું પડે, નહિતર તમારી પોતાની પ્રબળ ઈચ્છા જ અંતરાત્માના અવાજનું રૂપ ધારણ કરી લેશે અને તમે જે કરો એ સાચું જ કરી રહ્યા છો તેવા ભ્રમમાં ફસાઈ જશો.

કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ માટે તૈયાર ઊભેલી કૌરવો અને પાંડવોની સેના વચ્ચે જઈને અર્જુને તીરકામઠાં નીચે મૂકી દીધાં અને કહ્યું કે હું લડી શકીશ નહીં. એ વખતે અર્જુન હકીકતમાં બે સાચા નિર્ણયમાંથી એકની પસંદગી કરવા માટે ઝઝૂમી રહ્યો હતો. એક વિકલ્પ હતો ધર્મની રક્ષા માટે યુદ્ધ કરી હ‌િસ્તનાપુર પર રાજ કરવું અને બીજો વિકલ્પ હતો યુદ્ધ ન કરવું અને પોતાના સંબંધીઓ તથા લાખો નિર્દોષોનાં જીવનની રક્ષા કરવી. આ બંને વિકલ્પ વચ્ચે ફસાયેલ અર્જુન યુદ્ધ કરવા અને ન કરવા વચ્ચે અસમંજસ અનુભવી રહ્યો હતો. આથી ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહ્યું કે નિરાશ ન થા, તું નહીં હોય તો પણ આ લોકો બચી શકશે નહીં. આ સૌ યોદ્ધાઓને તો હું પહેલાં જ મારી ચૂક્યો છું. તું તો માત્ર એક માધ્યમ છે. તું પરિણામની ચિંતા છોડી દે અને યુદ્ધ કર. આ સાંભળીને અર્જુનની અસમંજસ દૂર થઈ ગઈ અને તેણે પોતાનું ગાંડીવ પુનઃ ઉઠાવી લીધું. શું કરવું જરૂરી છે અને શું થઈ શકે તેમ છે? તેની વચ્ચે સંતુલન જાળવીને નિર્ણય કરવો જોઈએ.
બે સાચા વિકલ્પની પસંદગીની આ અસમંજસ ફક્ત મહાકાવ્યોમાં જ નહીં, પણ આપણા જીવનમાં અવારનવાર જોવા મળે છે.

બે સાચા વચ્ચેની પસંદગીનો પડકાર લગભગ દરેક ક્ષેત્રે આપણી સામે મોં ફાડીને ઊભો રહી જાય છે. સાહસિક નિર્ણય લેવા માટે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ અને આવી નિર્ણયશક્તિ અનુભવથી જ ખીલે છે. જો તમે આધ્યાત્મિક હો તો તમારો અંતરાત્મા તમને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે કહી દેશે. જ્યારે આપણે કોઇ મુદ્દે દ્વિધામાં હોઇએ અને નિર્ણય લેવા અંગે ભારે અસમંજસ પ્રવર્તતી હોય અને આપણી સમક્ષ કોઇ પણ મુદ્દાનાં સકારાત્મક અને નકારાત્મક બંને પાસાં હોય એવી સ્થિતિમાં દિમાગમાં વિચારોના દ્વંદ્વ યુદ્ધનો ભોગ બનવાના બદલે આપણો આત્મા કહે તે મુજબ નિર્ણય લેવો જોઇએ.

You might also like